પાટીલ રાજમાં ભાજપનું ભંગાણ, 1000થી પણ વધારે કાર્યકર્તાઓ આપમાં જોડાયા…

ગુજરાત આમ આદમી પાર્ટીના ધમાકેદાર પ્રવેશ બાદ હવે ધીમે ધીમે ભાજપના કાર્યકર્તાઓને ખેરવવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગઢમાં ભાજપના એક હજારથી પણ વધારે કાર્યકર્તાઓ છેલ્લા દોઢ મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.

પાટીદાર યુવા નેતા ગોપાલ ઇટાલીયાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ સુરત મનપા ભાજપને કાંટે કી ટક્કર આપીને વિપક્ષનું સ્થાન મેળવ્યા બાદ હવે ધીમે ધીમે પાટીદાર વિસ્તારોમાં આપનું વજન વધવા લાગ્યું છે. સુરતમાં હજુ પણ આપમાં અનેક કાર્યકર્તાઓ જોડાવાની રચના ધડવામાં આવી છે.

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

રવિવારે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં અડાજણ, રાંદેર માંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. અડાજણ રાંદેર વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. તેથી કહી શકાય કે, પાટીલના રાજમાં ભાજપમાં મોટું ભંગાણ થયું છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારની સોસાયટીના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામના અભાવે લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. પરિણામે લોકો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી રહ્યા છે.

સુરત શહેરમાં 27 બેઠકો પર વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નગર સેવકોએ લોકોના દિલ જીત્યા છે. તેને આ તમામ કાર્યોથી પ્રભાવિત થઈ અલગ અલગ વિસ્તારોના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. તેથી કહી શકાય કે આમ આદમી પાર્ટીએ સુરતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *