ચેન્નઇ સુપરકિંગ્સની મુશ્કેલીમાં વધારો, હાલમાં જ જોડાયેલ આ યુવા ખેલાડી પર લાગ્યો મોટો આરોપ…

આઇપીએલ 2022 પહેલા બેંગ્લોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ફ્રેન્ચાઇઝીઓએ દ્વારા ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ભવ્ય મેગા ઓક્શન માટે પહેલા 590 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ અંડર-19 વર્લ્ડકપના 10 ખેલાડીઓને આ મેગા ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે હાલમાં અંડર-19 વર્લ્ડકપ રમાયો હતો. જેમાં ભારતીય ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ખિતાબ મેળવવામાં અનેક ખેલાડીઓની મહત્વની ભૂમિકા રહી હતી. પરંતુ આજે આપણે આ લેખમાં એક એવા ખેલાડીની વાત કરવાના છીએ કે જેણે આ અંડર-19 વર્લ્ડકપમાં પ્રદર્શન કર્યું હતું અને તેના દમ પર તેને આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે ખરીદ્યો હતો.

અંડર-19 વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર રાજવર્ધન હંગરગેકરને મેગા ઓક્શનમાં ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. પરંતુ આ ખેલાડી પર હાલમાં જ તેની ઉંમર સાથે છેડછાડનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજવર્ધન હંગરગેકર પર તેમની ઉંમરની ઓછી જાણ કરવાનો આરોપ છે.

રમત જગત અને યુવા વિભાગના કમિશનર ઓમ પ્રકાશ બકોરિયાએ BCCIને પત્ર લખીને જણાવ્યું છે કે રાજવર્ધન હંગરગેકરની ઉંમર 19 વર્ષ નહીં પરંતુ 21 વર્ષની છે. 7માં ધોરણ સુધી રાજવર્ધન હંગરગેકરની જન્મ તારીખ 10 જાન્યુઆરી 2001 હતી. પરંતુ રાજવર્ધનની જન્મ તારીખ 10 નવેમ્બર 2002માં બદલીને 8માં ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો એટલે કે 14 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી વચ્ચે યોજાયેલા અંડર-19 વર્લ્ડકપ સમયે રાજવર્ધન હંગરગેકર 21 વર્ષનો હતો.

રાજવર્ધન હંગરગેકર પર હજુ સુધી કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી અને તે તમામ પ્રકારની મેચ રમી શકે છે. પરંતુ બીસીસીઆઇ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. જો તે આરોપ સાચા સાબિત થશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થઇ શકે છે.

મેગા ઓક્શનમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે તેને 1.5 કરોડમાં ખરીદ્યો છે. પરંતુ જો તે આ આરોપમાં સંડોવાયેલો હશે તો તેને CSKની ટીમ પણ બહારનો રસ્તો બતાવી શકે છે અને તે રાજવર્ધન હંગરગેકરની કારકિર્દી માટે મોટો ફટકો હશે. તેની સાથે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ માટે પણ આ એક મોટો ઝટકો સાબિત થઇ શકે છે કારણ કે રાજવર્ધન હંગરગેકર એક જબરદસ્ત ઓલરાઉન્ડર ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *