ચહલના સ્થાને અશ્વિન કેમ? વિરાટ કોહલીએ પહેલી વખત જણાવ્યું કારણ…

ગઈકાલે બે ધમાકેદાર મેચો સાથે ટી 20 વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ દુબઈમાં રમશે. તે પહેલા ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે. ભારત 18 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે અને 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમશે.

ટી 20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. જેમાં કેટલાક આશ્ચર્યચકિત કરી દે તેવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાંનો એક ખેલાડી એટલે રવિચંદ્રન અશ્વિન. તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિન ચાર વર્ષ બાદ વાઈટ બોલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે.

રવિચંદ્રન અશ્વિને ભારત માટે પોતાની છેલ્લી વાઈટ બોલ મેચ 2017 માં રમી હતી. તેમ છતાં પણ ટી 20 વર્લ્ડકપ માટે તેની પસંદગી થતા ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અશ્વિનની પસંદગી થયા બાદ તે સતત ચર્ચાનો વિષય રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મુખ્ય સ્પિનર તરીકેની ભૂમિકા યુઝવેન્દ્ર ચહલ નિભાવતો આવ્યો છે. પરંતુ તેને સ્થાને ટી-20 વર્લ્ડકપમાં અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠયા હતા. જેનો જવાબ હવે વિરાટ કોહલી આપ્યો છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિન વિશે વાત કરતાં કહ્યું કે, તેની બોલિંગમાં છેલ્લા ઘણા સમયથી સુધારો જોવા મળી રહ્યો છે. બધાએ જોયું છે કે છેલ્લા બે વર્ષમાં અશ્વિને મુશ્કેલ સમયમાં બોલિંગ કરી છે. અશ્વિને યોગ્ય વિસ્તારોમાં બોલ ફેંકી બતાવ્યો છે અને તેણે તેની ક્ષમતામાં પણ વધારો કર્યો છે. આ બધાની સાથે અશ્વિન યુઝવેન્દ્ર ચહલ કરતાં વધુ અનુભવી ખેલાડી છે. તેથી તેને ટી 20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીએ યુઝવેન્દ્ર ચહલ વિશે કહ્યું કે આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ રાહુલ ચહરની ઝડપી બોલિંગને જોતા તેને ટેકો આપવામાં આવ્યો હતો. રાહુલ ચહરે છેલ્લા ઘણા વર્ષોમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. રાહુલે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સારી બોલિંગ કરી બતાવી છે.

વિરાટે વધુમાં કહ્યું કે, અમારું માનવું છે કે જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ પિચ ધીમી થશે. આવી સ્થિતિમાં જે બોલર વધુ ઝડપ સાથે બોલિંગ કરે તે ઉપયોગી સાબિત થશે. રાહુલ એવો બોલર છે જે હંમેશા વિકેટ પર હુમલો કરે છે અને ઝડપી બોલિંગ કરે છે. તેથી તેની પસંદગી ટી 20 વર્લ્ડકપ માટે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *