ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, પાકિસ્તાન સામેની મેચમાં આ ખેલાડીનું પત્તું કપાશે…

ગઈ કાલથી ટી 20 વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ભારતીય ટીમ પોતાના પહેલો મુકાબલા પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ દુબઈમાં રમશે. આ હાઈ વોલ્ટેજ મુકાબલાની અંદર હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનની પસંદગીને લઈ વિવાદ ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આઇપીએલના બીજા તબક્કામાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. આ ઉપરાંત સમગ્ર સિઝન દરમિયાન હાર્દિક પંડ્યાએ બોલિંગ પણ નહોતી કરી. તેથી ટી 20 વર્લ્ડકપ 2021 માં તેને ફક્ત ફિનિશરનો રોલ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે જણાવ્યું કે, મારા મત મુજબ હાર્દિક પંડ્યાના સ્થાને ઇશાન કિશનની પસંદગી થવી જોઇએ. ગંભીરે વધુમાં કહ્યું કે મારે જો પાંચ બોલર અને છ બેટ્સમેન સાથે જવું હોય તો હું હાર્દિક પંડયાના સ્થાને ઇશાન કિશનની પસંદગી કરીશ.

સ્ટાર સ્પોર્ટ્સમાં ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, હાર્દિક પંડયાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જાળવી રાખવા માટે પ્રેક્ટિસ મેચમાં સારું પરફોર્મન્સ આપવું પડશે. તેણે માત્ર બેટિંગ નહીં પરંતુ બાબર આઝમ જેવા ખેલાડીની સામે સારી બોલિંગ પણ કરવી પડશે. પ્રેક્ટિસ મેચમાં અને વર્લ્ડકપની મેચમાં ઘણો તફાવત હોય છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2019માં પીઠની સર્જરી કરી હતી. ત્યારબાદ તેણે ભારત અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે બોલિંગ કરી નથી. હાર્દિકને ટી 20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં બેટિંગ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા એક મોટો મેચવિનર છે. તે માત્ર એક ઓવરમાં જ મેચનું પરિણામ બદલી શકે છે. તેથી ભલે તે બોલિંગ કરી શકતો ન હોય પરંતુ બીસીસીઆઈએ તેને મેચ ફિનિશરની જવાબદારી સોંપી ટીમમાં સ્થાન આપ્યું છે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા બાદ તેમાં એક બદલાવ કર્યો હતો. ગુજરાતી ખેલાડી અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બદલાવને જોતા લાગી રહ્યું છે કે જો પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા જરાક પણ અનફિટ દેખાશે તો તેના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *