સુરત : મોડી સાંજે કામરેજના ઉભેળ ગામે ફેક્ટરીમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી વિકરાળ આગ…

કામરેજ તાલુકાના ઉભેળ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રિયલમાં વિકરાળ આગ લાગી છે. ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ગાદલા બનાવવામાં આવતા હતા. જેને કારણે ફેક્ટરીમાં રવિવારે સાંજે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આ આગની ચપેટમાં બાજુની ટેક્સટાઇલ ફેક્ટરી પણ આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 10થી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી મહેનત કરી હતી. રાહતની વાત તો એ છે કે આગને પગલે કોઈપણ જાનહાની થઈ નથી.

મળતી માહિતી મુજબ, ઉભેળ ખાતે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રિલમાં આવેલી રાધે ફોર્મ નામની ગાદલા બનાવતી કંપનીમાં મોડી સાંજે છ કલાકે આગ લાગી હતી. ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે બાજુમાં આવેલી આર્યા ટેક્સટાઇલ ફેક્ટરીને પણ આગે તેની ચપેટમાં લીધી હતી.

ટેક્સટાઇલ ફેક્ટરીમાં વોટરજેટ મશીન હોવાથી અંદર સમાવિષ્ટ ગેસ સિલિન્ડરો પણ આગના સંપર્કમાં આવતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ઔદ્યોગિક જગતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા કામરેજ અને પલસાણાની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગે વિકરાળ રુપ લઈ લીધુ હતુ. તેથી સુરત, સચિન, બારડોલી, કડોદરા, કીમથી અન્ય ફાયરબ્રિગેડને બોલાવાઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં બનેલી નવી બિલ્ડિંગ પણ ચપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આગને પગલે કોઇ જાનહાની થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *