ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી…

રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં આજથી સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે રાજ્યના 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં 39.03 ટકા વરસાદની ઘટ છે. આ ઉપરાંત મહેસાણામાં 39.11 ટકા અને પાટણમાં 6.33 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

આ વર્ષે લગભગ અડધું ચોમાસું પૂર્ણ થઇ ગયું છે. ત્યારે 19 જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં નવ ઈંચ વરસાદની જરૂરીયાત સામે સિઝનનો સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 39.03 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં વાવેતરની વાત કરીએ તો ચાલુ ચોમાસાની સિઝનમાં 8.60 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચુકી છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 2.97 લાખ હેક્ટર, સાબરકાંઠામાં 1.73 લાખ હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં 1.57 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *