સુરત : હીરાના વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 1.59 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, જાણો વિગતે…
સુરતને હીરા બજારનું હબ માનવામાં આવે છે. પરંતુ અહીં અવારનવાર વેપારીઓ અને દલાલો ઉઠમણું કરતા જ હોય છે. ત્યારે હાલમાં જ સુરતના હીરા બજાર માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછાના હીરાદલાલ અને વેપારીએ વેચાણના બહાને 9 વેપારીઓ પાસેથી હીરા લઇને 1.59 કરોડ રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કરી હતી.
ત્યાર બાદ હીરા દલાલ અને વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હીરા વેપારીએ પોલીસથી બચવા ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો નાનુભાઈ ભવાનભાઈ હીરપરા કે જે વરાછા મિનિબજારમાં હીરાનો વેપાર કરે છે. આરોપી હીરા દલાલ ચતુર લાલજી પાનસેરીયાને 2 જુલાઈએ નાનુભાઈએ વેચાણ માટે 9.43 લાખના હીરા આપ્યા હતા.
નાનુભાઈએ ચતુરને હીરા આપ્યા બાદ ચતુરે આ હીરાને મયુર મુકેશ ટીંબડિયાને આપ્યા હતા. તેના રૂપિયા ચતુરે નાનુભાઈને આપ્યા ન હતા. ત્યાર બાદ નાનુભાઈએ વધુ 22 લાખના હીરા ચતુરને આપ્યા હતા. તે હીરા પણ ચતુરે મયુરને આપી દીધા હતા.
પરંતુ વેપારીઓને જ્યારે ખબર પડી કે માર્કેટમાંથી ચતુરે અને મયુરે અન્ય વેપારીઓ પાસેથી પણ હીરા વેચાણના નામે રૂપિયા આપવાનું કહીને હીરા લઈને તેનું પેમેન્ટ આપ્યું નહતું.

ફોટાની ડાબી બાજુ ચતુર છે અને જમણી બાજુ મયુર છે.
જે વેપારીઓ પાસેથી આ બંને આરોપીઓ હીરા લઈ રૂપિયા ચૂકવ્યા ન હતા તેમાં ઝવેરભાઈના 10.25 લાખ, ધર્મેશ કિશોર વઘાસિયાના 11.08 લાખ,રાજુ મગન પાનસુરિયાના 6 લાખ, હિંમતભાઈ પોપટભાઈ બાબરિયાના 6.32 લાખ, દિલીપભાઈ કનુભાઈ વાલાણીના 5.86 લાખ, ઉમેશભાઈ રમેશભાઈ કોલડિયાના 53.57લાખ રૂપિયા, સુનિલભાઈ નાનુભાઈ દુધાતના 6 લાખ રૂપિયા અને વિનુભાઈ મુળજીભાઈ ગજેરાના 28.60 લાખ લેવાના છે.
આમ 9 વેપારીઓ પાસેથી બંને આરોપીઓએ 1.59કરોડના હીરા લઈને તેનું પેમેન્ટ આપ્યું નહતું. નાનુભાઈએ ચતુર અને મયુર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નાનુભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ અઠવાડિયા પહેલા વરાછા પોલીસને અરજી આપી હતી. બુધવારે પોલીસે અરજીના આધારે ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થતાં મયુર ગભરાઈ ગયો હતો. પોલીસ પકડી જશેના ડરથી તેણે પોતાના જ ઘરમાં ઝેર પી લીધું હતું. ત્યાર બાદ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેની હાલત ગંભીર છે.