જાડેજા અને બુમરાહની વાપસી, પ્રથમ ટી-20માં આવી કંઇક રહેશે ભારતીય પ્લેઇંગ ઇલેવન…

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી-20 સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 બંને સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી. ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ ઉપરાંત બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરના અહેવાલ પ્રમાણે દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત થયા છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અન્ય ખેલાડીઓને સ્થાન આપી શકે છે. તો ચાલો જોઇએ રોહિત શર્મા કયા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે ઇશાન કિશન મેદાનમાં ઉતરશે. ઇશાન કિશન પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તે હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. બેટિંગ ઉપરાંત ઇશાન કિશન વિકેટકીપિંગ પણ માહેર છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં આ બંનેની જોડી સુપર હિટ સાબિત થઇ શકે છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સિરીઝમાંથી બહાર હોવાને કારણે તેના સ્થાને સંજુ સેમસનને નંબર 3 પર તક મળી શકે છે. હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલ સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને શ્રેયસ ઐયરને નંબર 4 પર તક મળી શકે છે. વેંકટેશ ઐયરને નંબર 5 પર સ્થાન આપવામાં આવશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા લાંબા સમય બાદ નંબર 6 પર બેટિંગ કરતો નજરે આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો આ જવાબદારી મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહને સોંપવામાં આવશે. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસી થઇ છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં સ્પિન બોલિંગની જવાબદારી યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઇને સોંપવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. આ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ મેદાને ઉતરીને શરૂઆતથી જ આ સિરીઝ પર મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ મજબુત ટીમ બનાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *