યુવા ખેલાડીઓની એન્ટ્રી થતા આ ચાર દિગ્ગજ ભારતીય ખેલાડીઓના ક્રિકેટ કરિયર થયા સમાપ્ત…
ભારતીય ક્રિકેટ ટીમ સાથે રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ઘણા ઓછા એવા ખેલાડીઓ છે કે જે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ તરફથી રમે છે. યુવા ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આઇપીએલ જેવી ટુર્નામેન્ટ માંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા છે. પસંદગીકારો પણ યુવા ખેલાડીઓને તક આપી રહ્યા છે.
ઘણા દિગ્ગજ ખેલાડીઓ ખરાબ ફોર્મના કારણે પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે. તેના સ્થાને યુવા ખેલાડીઓને તક મળતા તેઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટી 20 ફોર્મેટની વાત કરીએ તો રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઘણા ઘાતક ખેલાડીઓની કારકિર્દી જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે.
શિખર ધવન એક સમયે ભારતીય ટીમનો મજબૂત ખેલાડી ગણાતો હતો. પરંતુ 2018 પછી ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળ્યું નથી. શિખર ધવને 23 મેચોમાં 2315 રન બનાવ્યા છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેના સ્થાને મયંક અગ્રવાલ અને રાહુલને તક આપવામાં આવી હતી. આ બંને ખેલાડીઓએ પોતાની છાપ છોડી છે. તેથી હવે ટેસ્ટ ક્રિકેટમાં શિખર ધવનની વાપસી અશક્ય લાગી રહી છે. ટી 20 વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઇ ન હતી અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેને બહાર રાખવામાં આવ્યો હતો.
અજિંક્ય રહાણે એક સમયે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમતો હતો. ટૂંકા ફોર્મેટમાં તેની પસંદગી ઘણા સમયથી થઇ નથી. ટેસ્ટ ફોર્મેટમાં તેની પસંદગી થાય છે પરંતુ તેમાં તેનું પ્રદર્શન સતત ખરાબ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેણે એક પણ સદી ફટકારી નથી. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં 35 અને બીજા દાવમાં 4 રન બનાવ્યા હતા. સતત ખરાબ પ્રદર્શનના કારણે બીજી ટેસ્ટ મેચમાં તેને ઇજાના બહાને બહાર રાખવામાં આવ્યો હતો.
ટીમ ઇન્ડિયાનો અનુભવી ખેલાડી ભૂવનેશ્વર કુમાર છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટ મેચ રમ્યો નથી. તે છેલ્લા ઘણા સમયથી ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. ડેથ ઓવરમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યો છે. ભૂવનેશ્વર કુમાર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી તેના સ્થાને મોહમ્મદ સીરાજ અને નવદીપ સૈની જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં ભૂવનેશ્વર કુમારની વાપસી થવી લગભગ અશક્ય લાગી રહી છે.
ઇશાંત શર્માએ 2007માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 100થી વધારે ટેસ્ટ મેચ રમી છે. પરંતુ તે હવે વિકેટ લઇ શકતો નથી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ખેલાડી મોહમ્મદ સીરાજને તક આપવામાં આવી છે. ઇશાંત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતરામાં હોય તેવું લાગી રહ્યું છે.