જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, હવે આ ફાસ્ટ બોલરને મળશે તક!

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બર રવિવારે થઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ માટે પહેલો દિવસ ખૂબ સારો ગયો હતો કેમકે બેટ્સમેનોએ વિકેટ પર પકડ બનાવી હતી. ત્યારબાદ બીજા દિવસે વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શરૂઆતમાં જ ભારતીય ટીમના બેટ્સમેનો ધડાધડ આઉટ થયા હતા. પ્રથમ દિવસને જોતાં એવું લાગતું હતું કે ભારતીય ટીમનો સ્કોર 400 રન સુધી જશે પરંતુ ભારતીય ટીમ 327 રનમાં ઓલ આઉટ થઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમના બોલરો આફ્રિકાના બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.

ભારતીય ટીમ ઓલઆઉટ થયા બાદ આફ્રિકા ટીમના બેટ્સમેનો બેટિંગ કરવા મેદાને ઉતર્યા. આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સૌથી ભરોસાપાત્ર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેણે 11મી ઓવરનો પાંચમો બોલ ડુસેનને ફેંક્યો અને તરત જ તેની પગની ઘૂંટી વળી ગઇ હતી.

જસપ્રીત બુમરાહ ઇજા થતાં જમીન પર પડી ગયો અને રડવા લાગ્યો. ટીમ ઇન્ડિયાના ફિઝિયો નીતિન પટેલ મેદાન પર આવ્યા અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સ્થિતિને જોતાં એવું લાગે છે કે સમગ્ર સિરીઝમાંથી બુમરાહ બહાર થઇ શકે છે. તેનું સ્કેનિંગ કરવામાં આવશે અને મેડિકલ રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જસપ્રીત બુમરાહ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થશે તો તેની જગ્યાએ ઇશાંત શર્મા ટીમમાં પરત ફરી શકે છે કારણ કે તેની પાસે 100થી વધારે ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. ઇશાંતે આફ્રિકાની ધરતી પર સાત ટેસ્ટ મેચ રમી છે તેમાં 20 વિકેટ પણ ઝડપી છે. ઇશાંતને વિરાટ કોહલીની સૌથી નજીકનો ખેલાડી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ભારતીય ટીમ સાથે જોડાઇ શકે છે.

ઇશાંત શર્માએ પોતાની કારકિર્દીમાં 105 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 311 વિકેટ લીધી છે. જોકે ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટ આવી સ્થિતિમાં તેને છેલ્લી તક આપી શકે છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *