ભારત પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં? BCCI એ કરી સ્પષ્ટતા…
ટી-20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી શરૂ થઇ ગયો છે. જેમાં ભારત પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરના રોજ દુબઇમાં પોતાની પ્રથમ મેચ રમશે. પરંતુ આ મેચ પહેલા ભારત બે પ્રેક્ટિસ મેચ રમશે. ભારતે પહેલી પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું અને આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી પ્રેક્ટિસ મેચ રમશે.
ભારતને આ વર્ષે ટી 20 વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે અત્યાર સુધી એક પણ વખત હાર્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઇ છે. જેમાંથી ભારતે તમામ મેચ જીતી છે.
પાકિસ્તાનના આતંકવાદીઓ સતત ભારતમાં ઘુષણખોરી કરતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં ભારતીય નાગરિકો પર વધેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં રમાનારી મેચ રદ્દ કરવાની માંગ ઉઠી રહી છે. આ અંગે હવે BCCI એ સ્પષ્ટતા કરી છે.
BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જાણકારી આપતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ કરી શકાતી નથી. અમે પણ જમ્મુ કશ્મીરમાં હુમલાની સખત નિંદા કરીએ છીએ. પરંતુ આઇસીસીની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે મેચ રદ્દ કરી શકાતી નથી.
રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું કે, તમારે આઇસીસી ટુર્નામેન્ટમાં દરેક ટીમો સામે રમવું પડશે. ભારત અને પાકિસ્તાન દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલા જોવા મળશે. ભારત અને પાકિસ્તાન 24 ઓકટોબરના રોજ દુબઈમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ હાઇવોલ્ટેજ મેચની ટિકિટો માત્ર એક કલાકમાં વેચાઈ ગઈ હતી. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને ક્યારેય એવું લાગ્યું નથી અને હું આ મેચને પણ દરેક મેચની જેમ જ અનુભવું છું.