શા માટે વિરાટ કોહલીને સુકાનીપદેથી હટાવવામાં આવ્યો? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો…

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થાય તેવું અનુમાન પહેલેથી જ લગાવવામાં આવી રહ્યું હતું કારણ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય પહેલેથી જ કરી લીધો હતો અને ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ વર્લ્ડકપ બાદ સમાપ્ત થવા જઇ રહ્યો હતો.

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 પહેલા ભારતીય ટીમના ટી 20 ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને પસંદ કરવામાં આવ્યા હતા. રાહુલ અને રોહિતની જોડીએ પહેલી જ સિરીઝમાં કમાલ કરી બતાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ 3-0 થી જીતી હતી.

રોહિત શર્મા આ પહેલા પણ ઘણી વખત વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી ચૂક્યો છે. તેથી હવે તેને ટી 20 બાદ ભારતીય ટીમના વન-ડે ફોર્મેટનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તે ભારતીય ટીમની કમાન સંભાળતો નજર આવશે.

આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને હટાવીને વન-ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ માત્ર ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી હતી. પરંતુ હવે તેને વનડે ફોર્મેટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. હવે આ મામલે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટો ખુલાસો કર્યો છે.

બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પીટીઆઇને કહ્યું, ‘અમે વિરાટને ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ ન છોડવા માટે વિનંતી કરી હતી. પરંતુ તે આ પદ પર ચાલુ રહેવા માંગતો ન હતો. તેથી પસંદગીકારોને લાગ્યું કે તેઓ સફેદ બોલના ફોર્મેટમાં બે સફેદ બોલ કેપ્ટન રાખી શકે નહીં. તેણે વધુમાં કહ્યું કે, આ અંગે કોહલી સાથે વાત કરવામાં આવી હતી અને તેણે આ નિર્ણયને સ્વીકારી લીધો છે.

ગાંગુલીએ કહ્યું કે, પસંદગીકારોને લાગ્યું કે સફેદ બોલના ફોર્મેટમાં બે અલગ અલગ કેપ્ટન હોવાને કારણે ગૂંચવશે, તેથી ચેતન શર્માની આગેવાની હેઠળની સમિતિએ સૂચવ્યું કે માત્ર એક જ કેપ્ટન હોય તે વધુ સારું રહેશે. તેથી રોહિત ODIનો કેપ્ટન રહેશે. અને વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *