પાકિસ્તાન સામેની મેચમાં કોને મળશે ‘વિરાટ’ સેનામાં સ્થાન, જાણો અહીં વિગતે…

17 ઓક્ટોબરથી વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. સુપર 12ની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે કારણ કે આ બંને દેશો માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાઇ છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ હાઇવોલ્ટેજ મેચની ટિકિટો માત્ર એક કલાકમાં વેચાઇ ગઇ હતી.

પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમને 7 વિકેટે અને ઓસ્ટ્રેલિયાની ટીમને 8 વિકેટે હરાવી બંને મેચ જીતી લીધી હતી. તો ચાલો આપણે આ બંને મેચોના આધારે પાકિસ્તાન સામેની મેચમાં ભારતની પ્લેઇંગ 11 કેવી હશે તે નક્કી કરીએ.

પ્રેક્ટિસ મેચમાં કે.એલ.રાહુલનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામે 51 અને ઓસ્ટ્રેલિયા સામે 39 રન બનાવ્યા હતા. વળી રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 60 રન કરી ફોર્મમાં વાપસી કરી હતી. પાકિસ્તાન સામેની મેચમાં રાહુલ અને રોહિત ઓપનિંગ કરતા નજરે આવશે. ત્યારબાદ નંબર ત્રણ પર કેપ્ટન વિરાટ કોહલી પોતે આવીને મિડલ ઓર્ડર સંભાળશે.

નંબર 4 ની જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળશે અને પછી રિષભ પંત સંભાળી લેશે. ફિનિશરના રોલમાં રિષભ પંતની સાથે હાર્દિક પંડ્યા નજરે આવશે. હાર્દિક પંડ્યા ભલે બોલિંગ કરી શકતો ન હોય પરંતુ તે એક એવો ખેલાડી છે જે માત્ર એક ઓવરમાં મેચ પલટી શકે છે. તેથી તેને ટીમમાં સામેલ કરવો જરૂરી છે.

પાકિસ્તાન સામેની મેચમાં ભારત તરફથી બે સ્પિન બોલર ઉતરશે. જેમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન લગભગ નક્કી છે અને બીજા સ્પિન બોલર તરીકે વરુણ ચક્રવર્તી અથવા રવિચંદ્રન અશ્વિન બંને માંથી એકને ટીમમાં સ્થાન મળી શકે છે.

ભારત તરફથી પેસ અટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરકુમાર નિભાવતા નજરે આવશે. આમ ભારત પૂરી તૈયારી સાથે પાકિસ્તાનને હરાવવા માટે મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *