કોહલી બાદ કોણ બનશે RCBનો કેપ્ટન? સંજય માંજરેકરે આપ્યા આ 3 નામ…

વિરાટ કોહલીએ ચાલુ આઈપીએલ બાદ આરસીબીની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કરીને સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્ય ચકિત કરી દીધું હતું. જોકે તે એક ખેલાડી તરીકે આરસીબી સાથે જોડાયેલા રહેશે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આગામી સિઝનથી આરસીબીની કમાન સંભાળશે કોણ?

વિરાટ કોહલી બાદ એબી ડી વિલિયર્સ ટીમની કમાન સંભાળી શકે છે. આ ઉપરાંત ટીમ જો લાંબા સમય માટે વિચારી રહી હોય તો યંગ બેટ્સમેન દેવદત્ત પડિકલને કેપ્ટન બનાવી શકાય છે. આ ઉપરાંત ઘાતક ઓલરાઉન્ડર મેક્સવેલને પણ ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. કારણ કે મેક્સવેલ આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચુક્યો છે.

RCBના ચાહકોને નવા કેપ્ટન માટે થોડા મહિનાની રાહ જોવી પડશે. આ બધાની વચ્ચે પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે RCBના કેપ્ટન તરીકે ત્રણ નામ પસંદ કર્યા છે. માંજરેકરે કિરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અને ડેવિડ વોર્નર સાથે RCBને આગળ વધવાની સલાહ આપી છે.

સંજય માંજરેકરે કહ્યું કે, ડી વિલિયર્સ સાથે તમે કેટલા વર્ષો આગળ વધી શકો છો? એટલા માટે હું ઇચ્છું છું કે, જેની પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય હોય તેવા ખેલાડીની સાથે આરસીબીએ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અને ડેવિડ વોર્નર મારા ત્રણ દાવેદાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, સૂર્યકુમાર યાદવે ક્યારેય પણ આઈપીએલ ટીમનું નેતૃત્વ કર્યું નથી પરંતુ તે થોડા વર્ષો સુધી કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગૌતમ ગંભીરના ડેપ્યુટી હતો. તે હવે મુંબઈ ઇન્ડિયન્સનો એક વરિષ્ઠ સભ્ય બની ચૂક્યો છે.

આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર પોલાર્ડ ટીમનો વાઈસ કેપ્ટન છે. રોહિત શર્માની ગેરહાજરીમાં તે અવારનવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો નજરે આવે છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તેમના ઘરેલુ ખેલાડીઓને અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીમાં એટલી સરળતાથી જવા દેશે નહીં.

ડેવિડ વોર્નર હાલ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. પરંતુ આગામી સમયમાં ટીમ તેને છોડી શકે છે. તે એક વખતનો આઈપીએલ વિજેતા કેપ્ટન છે. જોકે, હાલ તે કપરા સમય માંથી પસાર થઈ રહ્યો છે. તેણે ચાલુ સીઝને સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તે ટીમમાંથી પણ બહાર થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *