BCCIએ ખખડાવતા વિરાટ કોહલીએ કરી આ મોટી જાહેરાત…
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. 26 ડિસેમ્બરના રોજ આ સિરીઝ શરૂ થશે. ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે. આવતીકાલે 16 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવા રવાના થશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. થોડા સમયમાં જ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ઓપનર ખેલાડી રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયા છે. રોહિત શર્મા આ ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટનનું પદ સંભાળવાના હતા. તેના સ્થાને ગુજરાતી યુવા ખેલાડી પ્રિયાંક પંચાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવતા વાદવિવાદ શરૂ થયો છે.
વિરાટ કોહલીએ જાતે જ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વિરાટ કોહલીને બીસીસીઆઇ દ્વારા વન-ડે ફોર્મેટમાંથી પણ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. અચાનક વન ડે ફોર્મેટમાં કેપ્ટન પદેથી હટાવતા વિરાટ કોહલી અને બીસીસીઆઇ વચ્ચેના સંબંધોમાં વાદવિવાદ સર્જાયો હતો. વિરાટ કોહલીએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.
આ સમગ્ર મામલે વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં હું હાજર છું. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે. મે ટી 20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ મેં જણાવ્યું હતું કે હું વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં હું કેપ્ટનશીપ કરીશ. પરંતુ બીસીસીઆઇ દ્વારા અલગ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછી કોઈ વાતચીત થઇ નથી.
વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું કે મારી અને રોહિત શર્મા વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો નથી. મારુ કોઈ પણ કાર્ય ભારતીય ટીમને અપમાનિત કરશે તેવું નહીં હોય. રોહિત શર્મા સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં ઇજાને કારણે હાજર રહેશે નહિ. બીસીસીઆઇએ કેપ્ટનશીપ બાબતે તાર્કિક દ્રષ્ટિકોણથી નિર્ણય લીધો છે. પસંદગીકારો જે નિર્ણય લેશે તેની સાથે હું સહમત છું.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા વાદવિવાદ સામે કોહલી આવ્યો અને બધી વાતનો ખુલાસો કર્યો છે. 26 ડિસેમ્બરના રોજ ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થશે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટેસ્ટ સીરીઝમાં ભારતના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી અન્ય ખેલાડીને સોપવામાં આવશે. 19 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામે વનડે સિરીઝનો પ્રારંભ થશે. તે માટે ટીમની પસંદગી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.