ઇજાથી પરેશાન આ ગુજરાતી ખેલાડી લઇ શકે છે નિવૃત્તિ…
ટી 20 વર્લ્ડકપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થયા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. તેના સ્થાને ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે.
ટી 20 વર્લ્ડકપ બાદ રોહિત શર્મા કેપ્ટન બનતા તેને ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. રોહિત શર્માએ યુવા ખેલાડીઓને વધારે મહત્વ આપ્યું છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓને તેણે ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. પરંતુ રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ પણ તે પોતાના એક પસંદગીદાર ખેલાડીને ટીમમાં સ્થાન આપી શક્યો નથી.
આ ખેલાડીનું નામ છે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને ઇજાગ્રસ્ત થયા બાદ તે બોલિંગ પણ કરી રહ્યો નથી. તેને કારણે તેની ચમકમાં થોડો ઘટાડો થયો છે. એક સમયે હાર્દિક પંડ્યાને વિશ્વનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો. પરંતુ હવે તેને ટીમમાં પણ સ્થાન મળી રહ્યું નથી.
ટી 20 વર્લ્ડકપ 2021 માટે તેની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે વર્લ્ડકપમાં પણ કંઇ ખાસ પ્રદર્શન બતાવી શક્યો ન હતો. નબળા પ્રદર્શનને કારણે તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝ માંથી પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઇજાથી પરેશાન ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નિવૃત્તિ લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી કમરની ઇજાથી સતત પરેશાન છે. હાર્દિક પંડ્યા પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે કોઇ એક ફોર્મેટ માંથી નિવૃત્તિ લઇ શકે છે. સૂત્રો અનુસાર તે ટેસ્ટ ફોર્મેટ માંથી નિવૃત્તિ લે તેવું સામે આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા વન-ડે અને ટી 20 ક્રિકેટમાં લાંબા સમય સુધી રમવા માટે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યાને વર્ષ 2019 માં કમરની ઇજા થઇ હતી. ત્યારબાદ તેની સર્જરી પણ થઇ હતી. પરંતુ તે હજુ સુધી બોલિંગ કરી શકતો નથી. હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ઇજા સામે ઝઝૂમી રહ્યો છે. જોકે હજુ સુધી તેણે આ અંગે બીસીસીઆઇને સત્તાવાર રીતે જાણ કરી નથી.