આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માનું સ્થાન લેવા માટે આ બે ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. 26 ડિસેમ્બરના રોજ શરૂ થનારા આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરી દેવામાં આવી છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

રવિવારના રોજ ભારતીય ટીમ મુંબઇ કેમ્પ ખાતે એકત્ર થઇ હતી. જ્યાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્માના હાથના ભાગે ઇજા થવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. રોહિત શર્મા ટેસ્ટમાં વાઇસ કેપ્ટનનું પદ સંભાળવાનો હતો પરંતુ હવે જોવાનું એ રહેશે કે તેના સ્થાને કોને વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે.

26 ડિસેમ્બરના રોજ સેન્ચુરિયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયો હોવાથી તેના સ્થાને અન્ય ખેલાડીને સ્થાન આપવામાં આવશે. એક ઓપનિંગ ખેલાડી તરીકે કેએલ રાહુલનું સ્થાન નિશ્ચિત છે પરંતુ બીજો ખેલાડી કોણ હશે તે જોવાનું રહેશે. રોહિત શર્માના સ્થાન માટે બે ખેલાડીઓ દાવેદાર છે.

રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલને મોટો દાવેદાર માનવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 150 રન ફટકાર્યા હતા અને બીજી ઇનિંગ્સમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. મયંક અગ્રવાલને શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેના નામે ટેસ્ટમાં 1200 થી વધુ રન છે અને તેની એવરેજ પણ 47.3 છે. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલને સ્થાન મળી શકે છે.

ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર શુભમન ગિલને સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં પસંદ કરવામાં આવ્યો છે. ગિલ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમ્યો હતો. ગિલે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમી છે અને 558 રન બનાવ્યા છે. ગિલને રોહિત શર્મા જેવા ખેલાડી સાથે રમવાનો અનુભવ પણ છે. તેથી રોહિતની ગેરહાજરીમાં તેને સ્થાન મળી શકે છે.

સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં 3 ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીએ પ્રથમ વન-ડે મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં 4 ટી-20 મેચ પણ રમાવાની હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના કારણે તે રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *