રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ ઘાતક ખેલાડીઓ આફ્રિકા પ્રવાસે નહી જાય, કારણ છે કંઇક આવું…

આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે વનડે ટીમની કમાન હવેથી રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માને ટી 20 બાદ હવે વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝમાં ભવ્ય વિજય અપાવ્યો હતો. તેથી હવે તેને વન-ડેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ રોહિત શર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે કારણકે અજિંક્ય રહાણે ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. જેના કારણે હવે તેની પાસેથી વાઇસ કેપ્ટનની જવાબદારી પણ છીનવાઇ ગઇ છે. ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝમાં જીત મેળવ્યા બાદ હવે ભારતીય ટીમ આ મહિને જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. જેની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે, અને ત્યારબાદ 3 વન-ડે મેચ રમાશે. જે 19થી 23 જાન્યુઆરી વચ્ચે રમાશે. તમને જણાવી દઇએ કે, ખેલાડીઓની ઇજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી ભારતની ટેસ્ટ ફોર્મેટ માટેની ટીમને જાહેર કરવામાં વિલંબ થયો હતો.

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં કેટલાક ભારતીય ખેલાડીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. હજુ પણ આ ત્રણે ખેલાડીઓને સંપૂર્ણપણે ફિટ થવામાં કેટલાક મહિના લાગી શકે છે. હાલ આ ત્રણેય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો. જાડેજાને લિગામેન્ટ ટિયર (સ્નાયુ ફાટી જવા)ની સમસ્યા થઇ છે. તેથી તેને સંપૂર્ણપણે ફિટ થવામાં સમય લાગશે. આ ઉપરાંત ઇશાંત શર્માની આંગળીમાં પણ ફ્રેક્ચર થયું હતું પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ડાબોડી સ્પિનર અક્ષર પટેલની વાત કરીએ તો તે સ્ટ્રેસ ફ્રેક્ચરથી પરેશાન છે અને તેને ફિટ થવામાં ઓછામાં ઓછ છ સપ્તાહ લાગી શકે છે. ઓપનર શુભમન ગિલને પણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. મુંબઇ ટેસ્ટમાં ગિલના પગની ઇજા ફરીથી વકરી છે. તેને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન આ ઇજા થઇ હતી. જેને કારણે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકવો પડયો હતો. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શુભમન ગિલ ઇજાગ્રસ્ત હોવાના કારણે આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *