પાકિસ્તાન સામેની મેચ પહેલા આ કારણે ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું…
ટી 20 વર્લ્ડકપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને આ બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળશે.
પાકિસ્તાન સામેની આ મેચ પહેલા ભારતીય ટીમનો ઉત્સાહ અને સારા ફોર્મના પગલે લોકો અત્યારથી જ માની રહ્યા છે કે આ મેચ ભારત જીતશે. પરંતુ 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ મેચ પહેલા ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.
આ ટેન્શન પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ભારતના ખેલાડીઓએ જ વધાર્યું છે. લાગે છે કે વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇને અટવાયેલો છે. તેમાં પણ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ બાદ વિરાટ કોહલી માટે પાકિસ્તાન સામે પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવી મુશ્કેલ પડકાર હશે. લાગે છે કે માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ આ મૂંઝવણ ઉકેલી શકે છે.
ટી 20 વર્લ્ડકપમાં કઇ જોડી ઓપનિંગ કરશે તેને લઇ વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચના ટોસ દરમિયાન મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આઇપીએલ દરમિયાન હું વિચારી રહ્યો હતો કે ટી 20 વર્લ્ડકપમાં હું રોહિત શર્માની સાથે ઓપનિંગ કરીશ. પરંતુ આઈપીએલમાં કે.એલ.રાહુલનું પરફોર્મન્સ જોતા મેં આ નિર્ણયમાં બદલાવ કર્યો છે.
કોહલીએ વધુમાં કહ્યું કે, હું હવે ટી 20 વર્લ્ડકપમાં ત્રીજા નંબરે બેટિંગ કરીશ અને ઓપનિંગમાં રોહિત શર્માની સાથે કે.એલ.રાહુલ જોવા મળશે. આ ઉપરાંત મિડલ ઓર્ડર માટે પણ ઘણા બધા ખેલાડીઓ દાવેદાર છે. તો કેટલાક ખેલાડીઓનું વર્તમાન ફોર્મ વિરાટ માટે ટેન્શનનું કારણ બની ગયું છે.
ભારતે એક પ્રેક્ટિસ મેચ રમી છે અને એક રમવાની બાકી છે. પરંતુ લાગે છે કે આ મેચ બાદ વિરાટ કોહલીની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધુ વધી શકે છે. કારણ કે બીજી પ્રેક્ટિસ મેચમાં એવા ખેલાડીઓ રમશે જેમને પ્રથમ મેચમાં તક ન મળી હોય.