આ ઘાતક ખેલાડી કાપશે રવિન્દ્ર જાડેજાનું પત્તું, ટીમ ઇન્ડિયાને મળ્યો નવો ઓલરાઉન્ડર…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ વન-ડે મેચ કાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે માત આપીને આ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.
વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ વન-ડે મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માના આ નિર્ણયને ભારતીય બોલરોએ ખરો સાબિત કરી બતાવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 176 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતને જીત માટે 177નો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 28 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 178 બનાવીને જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની કમી પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે વાપસી કરી શક્યા નથી. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર તેની કમી વર્તાઇ હતી. જે બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર સ્થાન આપવામાં આવ્યું હતું અને તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં જ તેની કમી પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે.
પ્રથમ વન-ડે મેચમાં વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માએ તેના પર વિશ્વાસ મૂકીને પાવર-પ્લેમાં જ તેને બોલિંગ કરવાનો મોકો આપ્યો હતો અને તેણે જબરદસ્ત બોલિંગ કરી બતાવી હતી. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં 9 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરના રૂપમાં ભારતીય ટીમને એક યુવા ઓલરાઉન્ડર ખેલાડી મળ્યો છે. જે ભારતીય ટીમને આગામી સમયમાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
વોશિંગ્ટન સુંદર ઇજાને કારણે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર હતો. સાઉથ આફ્રિકા પ્રવાસે તેની પસંદગી થઇ હતી. પરંતુ કોરોના સંક્રમિત થવાને કારણે તે પ્રવાસ પર જઇ શક્યો ન હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તક મળતાં જ તેણે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ ખેલાડી ભવિષ્યમાં રવિન્દ્ર જાડેજાનું પત્તું કાપીને ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે.