આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડીયાનો કેપ્ટન, વિરાટ કોહલીએ આપ્યા સંકેત…

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલી ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે આ અંગેની જાહેરાત તેણે વર્લ્ડકપ પહેલાં જ કરી દીધી હતી. વિરાટ કોહલીની આ જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ બનશે?

ઘણા બધા ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે વિરાટ કોહલી બાદ ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માએ સંભાળવી જોઇએ. પરંતુ હાલ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટીમની કમાન કોઇ યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે. જો ટીમ ઇન્ડિયા લાંબા સમય માટે વિચારી રહી હોય તો રિષભ પંત અથવા કેએલ રાહુલને કેપ્ટન બનાવી શકાય છે.

ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે કારણ કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ ટી 20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેના કારણે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમને એક નવો કેપ્ટન અને કોચ મળી રહેશે.

17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સીરીઝ શરૂ થવા જઇ રહી છે. તેથી BCCI ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરશે. ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે કોની પસંદગી થશે. ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતે પોતાની છેલ્લી મેચ ગઇકાલે એટલે કે 8 નવેમ્બરના રોજ નામિબિયા સામે રમી હતી.

નામિબિયા સામેની મેચ બાદ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ તેના માટે ગર્વની વાત છે. ખાસ વાત તો એ છે કે વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે ટીમ ઇન્ડિયાની કમાન તેના પછી કોણ સંભાળશે.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, રોહિત શર્મા પણ અહીં છે, તે છેલ્લા કેટલાક સમયથી બધું જોઇ રહ્યો છે. સાથે જ ટીમમાં ઘણા બધા લીડર્સ છે, તેથી આવનારો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે. તમને જણાવી દઇએ કે, BCCI ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્માનું નામ સૌથી આગળ છે. એવા અહેવાલો પણ છે કે વિરાટ કોહલીની ODI કેપ્ટનશીપ પણ જઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *