આ બે અનુભવી ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સામેલ ન કરવા પડ્યા ભારે…
ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમને સેમીફાઇનલમાં પ્રવેશવા માટેનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટી 20 વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઇ ગયું. આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલી છેલ્લી ટી 20 મેચ નામિબિયા સામે રમશે.
અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચમાં અશ્વિન જેવા ખેલાડીઓની વાપસી થઇ હતી. જેના કારણે આ બંને મેચમાં ભારત આસાનીથી જીતી ગયું હતું. પરંતુ ત્યાર પછી પણ સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમ પર આધાર રાખવો પડે તેમ હતો. ભારતની આવી સ્થિતિ પર વિરાટ કોહલી અને પસંદગીકારો પર મોટા સવાલો ઉઠયા છે. ભારતના ચાહકો આવા પ્રદર્શનને કારણે નિરાશ થયા છે.
કોઇપણ ટીમને મેચ જીતવા માટે ટીમમાં અનુભવી ખેલાડીઓ હોવા અનિવાર્ય છે. ભારતને ટી 20 વર્લ્ડકપ 2021માં અનુભવી ખેલાડીઓની ખોટ વર્તાઇ હતી. જો ભારતીય ટીમમાં અનુભવી ખેલાડી હોય તો આપત્તિજનક સ્થિતિમાં તે પોતાના અનુભવના આધારે નિર્ણય લઇ શકત પરંતુ અનુભવી ખેલાડીઓના હોવાને કારણે ટીમ ઇન્ડિયા પહેલી બંને મેચોમાં પહેલા બેટિંગ કરતા ઓછો સ્કોર બનાવી શકી હતી.
ભારતીય ટીમમાં જો આ બે અનુભવી ખેલાડી હોત તો ટીમને ઘણો ફાયદો થયો હોત. શિખર ધવન એક વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. તે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા ક્રમ પર રહ્યો હતો. તેણે આઇપીએલ 2021 માં 600થી પણ વધુ રન બનાવ્યા હતા. આ ઉપરાંત આઇપીએલ 2020 માં તેણે બેક ટુ બેક બે સદી ફટકારી હતી. તેમ છતાં પણ અનુભવી શિખર ધવનને પડતો મુકી પસંદગીકારોએ ઇશાન કિશનને બેકઅપ ઓપનર તરીકે પસંદ કર્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલીની સૌથી નજીકનો ખેલાડી છે. તે બંને આઇપીએલમાં RCBની ટીમમાં સાથે રમે છે. ટી 20 ફોર્મેટમાં ચહલને એક સારો ખેલાડી માનવામાં આવે છે. પરંતુ પસંદગીકારોના મતે તેને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ હતું તેથી તેના સ્થાને રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
પસંદગીકારોની આ બે મોટી ભૂલોના કારણે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું ગયું છે. આ ઉપરાંત અન્ય કારણો પણ જવાબદાર છે. સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડીયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટી ગયું. વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા બહાર ફેંકાતા તમામ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ચાહકોએ ટ્રોલ કર્યા હતા.