આ ભારતીય ખેલાડીઓએ એક ઓવરમાં ફટકાર્યા છે સૌથી વધુ રન, નંબર ત્રણ પર તો છે બોલર…
ભારતીય ટીમમાં દર વર્ષે નવા ખેલાડીઓની એન્ટ્રી થતી હોય છે. આ ઉપરાંત ભારતીય બેટ્સમેન પોતાની જોરદાર બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતા છે. વનડે ફોર્મેટ હોય કે ટી-20 ફોર્મેટ બંનેમાં ભારતીય ટીમનું પ્રદર્શન હંમેશા શાનદાર રહે છે. ભારતે બે વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો છે અને એક વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો છે.
ભારતે દુનિયાને યુવરાજસિંહ, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવા મજબૂત બેટ્સમેનો આપ્યા છે. આજે આપણે એવા ખેલાડીઓની વાત કરીશું કે જેઓએ એક ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર એક બોલરનું નામ આવે છે. તો ચાલો જોઇએ આ યાદીમાં કયા દિગ્ગજોનો સમાવેશ થયો છે.
શ્રેયસ ઐયરે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમમાં એક અલગ જ નામ બનાવ્યું છે. તેની બેટિંગ જોઇને મોટા બોલરો પણ ડરી જાય છે. શ્રેયસ ઐયરે 2019માં વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે એક ઓવરમાં 31 રન બનાવ્યા હતા. જેમાં ચાર સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ મેચમાં તેણે 32 બોલમાં 53 રન બનાવીને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.
આ રેકોર્ડમાં બીજા નંબર પર સચિન તેંડુલકરનું નામ સામે આવે છે. સચિન તેંડુલકરે દરેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે વન-ડે ક્રિકેટમાં 49 સદી ફટકારી છે. સચિન તેંડુલકરે 1999માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે એક ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને 28 રન બનાવ્યા હતા. આ મેચમાં સચિન 150 બોલમાં 186 રનની ઇનિંગ રમી હતી.
એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ત્રીજા નંબર પર ભારતીય ઘાતક બોલર ઝહિર ખાનનો સમાવેશ થાય છે. તેણે આ કારનામું જોધપુરમાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની મેચમાં કર્યું હતું. ઝહિર ખાને એક ઓવરમાં 4 છગ્ગા ફટકારીને 27 રન બનાવ્યા હતા. ઝહિર ખાન વિશ્વના સૌથી ઘાતક બોલરોમાંનો એક છે. તેના બોલને રમવું કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડમાં સેહવાગ ચોથા નંબર પર છે. તેને શ્રીલંકા સામે એક ઓવરમાં 26 રન બનાવ્યા હતા, જેમાં તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. વીરેન્દ્ર સહેવાગને ભારતીય ટીમ માટે એક ઘાતક અને સફળ ઓપનિંગ ખેલાડી માનવામાં આવે છે.