ટીમ ઇન્ડિયામાં યુવા ખેલાડીઓની થશે એન્ટ્રી, જાણો કયા જુના જોગીઓ થશે ઘરભેગા…
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. 26 ડિસેમ્બરે યોજાનાર આ પ્રવાસમાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચ રમાવાની છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે અને વન ડે ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે.
હાલમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડ ધૂમ મચાવી રહ્યો છે. સતત ત્રણ સદી ફટકારનારો આ ખેલાડી થોડા સમયમાં પ્રખ્યાત થયો છે. મહારાષ્ટ્ર ટીમ તરફથી રમતા આ ખેલાડીએ મધ્યપ્રદેશ સામેની મેચમાં 112 બોલમાં 136 રન બનાવ્યા હતા. ત્યારબાદ છત્તીસગઢ સામેની મેચમાં 154 રન ફટકાર્યા હતા. આ બંને મેચ પહેલા કેરળ સામે 110 બોલમાં પણ સદી ફટકારી હતી.
ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021 માં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઇ સુપરકિંગ્સે ચાર વખત ટાઇટલ જીત્યું છે. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા ઋતુરાજ ગાયકવાડને મેગા ઓક્શન પહેલા રિટેન કરાયો છે. આવા ખતરનાક ખેલાડીને ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે.
ત્યાર પછી એક એવા ખેલાડીની વાત કરીએ કે જે છેલ્લા ઘણા સમયથી ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. વેંકટેશ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામેની મેચમાં 113 બોલમાં 151 રન બનાવીને ખતરનાક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આવા ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડીને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.
ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓની એન્ટ્રી થતાં ઘણા જૂના જોગીઓની હકાલપટ્ટી થઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી શિખર ધવનને યુવા ખેલાડીઓના કારણે સ્થાન મળ્યું નથી. એક સમયે શિખર ધવન ભારતીય ટીમ માટે એક સારો ઓપનર ખેલાડી હતો. કેએલ રાહુલના સારા ફોર્મના કારણે શિખર ધવનને બહાર જવું પડ્યું હતું. ત્યાર પછી તેને ભારતીય ટીમમાં તક મળી નથી.
એક અન્ય ખેલાડીની વાત કરીએ તો હાર્દિક પંડ્યા પણ છેલ્લા ઘણા સમયથી ઇજાને કારણે ટીમમાંથી બહાર રહ્યો છે. હાર્દિક પંડ્યાની બેટિંગ અને બોલિંગથી વિશ્વના ખતરનાક ખેલાડીઓ ડરતા હતા. સતત ઇજાને કારણે બહાર રહેતા આ ઓલરાઉન્ડર ખેલાડી ભારતીય ટીમ માટે ચિંતાજનક બન્યો છે. તેના સ્થાને વેંકટેશ ઐયરને ભારતીય ટીમમાં કાયમી સ્થાન મળી શકે છે.