કોહલી-શાસ્ત્રી જે કામ ન કરી શક્યા તે કામ હવે રોહિત-દ્રવિડ કરીને બતાવશે…
ટી 20 વર્લ્ડકપ બાદ કોહલી- શાસ્ત્રીની જોડી તૂટી ગઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા અને ભારતના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં જ વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટમાં પણ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી તેઓ ખેલાડીઓ વચ્ચે સંઘ બનાવવા માંગે છે. રાહુલ દ્રવિડ પણ તેના આ નિર્ણયનો સાથ આપીને સફળ બનાવશે. તમામ ખેલાડીઓ વચ્ચે એક જૂથ હોવું જોઇએ અને લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપવું જોઇએ. લાંબા સમયે ખેલાડીઓ એકબીજા વિશે શું વિચારે છે તે મહત્વનું છે. રોહિત શર્મા ડ્રેસિંગરૂમમાં શાંતિ જોવા ઇચ્છે છે.
રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક કેપ્ટન તરીકે મારી ટીમના તમામ ખેલાડીઓ એક સંઘમાં હોય તે જરૂરી છે અને કોચ પણ આ કામ સફળ કરવા માટે મદદ કરશે. તેણે ટીમના તમામ ખેલાડીને કહ્યું છે કે જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે તમારા પર દબાણ રહેશે. મેચ દરમિયાન તમારી સામે ઘણી હકારાત્મક અને નકારાત્મક વાતો આવશે પરંતુ તમારે મેચ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
ભારતીય કેપ્ટનનો હંમેશા એક મંત્ર રહ્યો છે કે જે વસ્તુ પર તમે નિયંત્રણ કરી શકો છો તે વસ્તુ પર નિયંત્રણ કરવું. રોહિત શર્માએ વધુમાં કહ્યું કે હું પહેલા પણ કહેતો હતો અને લાખો વખત કહીશ. આપણે જ્યારે ટૂર્નામેન્ટમાં રમતા હોય ત્યારે લોકો અનેક વાતો કરશે પરંતુ આપણે આપણું સંપૂર્ણ ધ્યાન મેચ પર જ કેન્દ્રિત કરવું જોઇએ. રોહિત શર્મા તમામ ખેલાડીઓને એક સાથે જોવા ઇચ્છે છે.
રોહિતે કહ્યું કે તમે જેના માટે જાણીતા છો તે તમારે કરી બતાવવાનું છે. દરેક ખેલાડી પાસે પોતાનું લક્ષ્ય હોવું જરૂરી છે. મને લાગે છે કે બહાર જે થાય છે તે અગત્યનું નથી પરંતુ આપણે એકબીજા વિશે શું વિચારે છે તે અગત્યનું છે. દરેક ખેલાડીને વિચારવું જોઇએ કે આપણે આપણી ટીમ માટે બેસ્ટ યોગદાન આપી શકીએ.
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સાથે મળીને ખેલાડીઓના ભવિષ્ય માટે કામ કરશે. જે ખેલાડીઓ ટીમ માટે યોગ્ય છે તે ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી છેલ્લા ઘણા સમયથી અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવે છે. ભવિષ્યમાં પણ આ બંનેની જોડી ભારતીય ટીમ માટે ઘણા સારા કાર્યો કરી શકે છે.