ઘાતક ફોર્મમાં ચાલી રહેલા આ દિગ્ગજ ખેલાડીને ટી-20 વર્લ્ડકપ માંથી બહાર કરવો પડ્યો ભારે…

ટી 20 વર્લ્ડ કપ 2021નું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થશે. આઈસીસી વર્લ્ડ કપ 2021 માટે પસંદ થયેલી ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમમાં ઘણા ચોંકાવનારા નામો સામેલ છે અને ઘણા સ્ટાર ખેલાડીઓની પસંદગી ન કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમના વરિષ્ઠ ઓપનર શિખર ધવનને ટી 20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યો નથી. હવે પસંદગીકારોનો આ નિર્ણય સાચો સાબિત થશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ શિખર ધવનના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થશે.

આઇસીસીના નિયમ મુજબ, 10 ઓક્ટોબર સુધી ટીમમાં ફેરફાર થઈ શકે છે. જો ભારતીય ટીમમાં ફેરફાર થાય તો શિખર ધવનને સ્થાન મળે તેની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે, ભારતીય ટીમમાં શિખર ધવનના સ્થાને ઇશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. જેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે.

આઈપીએલ પછી તરત જ ટી 20 વર્લ્ડ કપ રમાશે. દિલ્હી કેપિટલ્સના વરિષ્ઠ ખેલાડી શિખર ધવન આઈપીએલ 2021ના બીજા તબક્કામાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં 130.45ની સ્ટ્રાઇક રેટથી 454 રન બનાવ્યા છે.

આઇપીએલ 2021માં તે હાલમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ટોચ પર છે. આઇપીએલ યુએઈમાં રમાઈ રહી છે અને વર્લ્ડકપનું આયોજન પણ યુએઈમાં જ થવાનું છે. આવી સ્થિતિમાં ધવનનું ફોર્મ જોઈને લાગે છે કે પસંદગીકારોએ તેને ટીમમાં ન લઈને મોટી ભૂલ કરી છે.

એટલું જ નહીં, ધવનના સ્થાને જે ખેલાડીને તક આપવામાં આવી છે તે આઈપીએલમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. પસંદગીકારોએ શિખર ધવનની જગ્યાએ 23 વર્ષીય યુવા બેટ્સમેન ઇશાન કિશનને ટીમમાં સ્થાન આપ્યું હતું. જે નિર્ણય હાલ ખોટો સાબિત થયો છે. વર્તમાન સમયમાં ઇશાન કિશનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ઈશાન કિશનને આઈપીએલ 2021ના બીજા તબક્કામાં ત્રણ મેચો રમી છે. જેમાં તેણે કુલ 34 રન બનાવ્યા છે. આ ઉપરાંત ઇશાન કિશને અત્યાર સુધીમાં ભારત માટે માત્ર 3 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, અને તેનું ડેબ્યુ પણ આ વર્ષે જ થયું છે. તેમ છતાં પણ શિખર ધવનના સ્થાને તેનું સિલેક્શન ટી 20 વર્લ્ડકપ માટે કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *