બુમરાહ, શમી અને સિરાજની ત્રિપુટીએ કાપ્યું આ દિગ્ગજ ખેલાડીનું પત્તું, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ બપોરે દોઢ વાગ્યે શરૂ થઇ હતી. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ આફ્રિકાના બોલેરો પર દબદબો બનાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ધોધમાર વરસાદનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મંગળવારે ભારતીય ટીમના બેટ્સમેનો ધડાધડ આઉટ થયા હતા. ત્યારબાદ આફ્રિકાના બેટ્સમેનો મેદાન પર ઉતર્યા. ટીમ ઇન્ડિયાના બોલરોએ આફ્રિકાના બેટ્સમેનો પર તબાહી મચાવી દીધી હતી. પ્રથમ દાવમાં ભારતના 327 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમને 197 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમના બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ શમીએ 16 ઓવરમાં 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.આ સાથે જ મોહમ્મદ સિરાજે પણ એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના આ ખેલાડી માટે ટેસ્ટ ક્રિકેટના દરવાજા બંધ થઇ ગયા છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની આ ત્રિપુટી ટીમ ઇન્ડિયાની પહેલી પસંદ બની ગઇ છે. આવી સ્થિતિમાં ઇશાંત શર્માની ટેસ્ટ કારકિર્દી પણ લગભગ સમાપ્ત થઇ ગઇ છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર ઇશાંત શર્માને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડ્યું હતું. ઇશાંત શર્માને બહાર કર્યા બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તેની જગ્યા ટીમ ઇન્ડિયામાં રહી નથી. સિનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા છેલ્લી બે સિરીઝમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસથી લઇને અત્યાર સુધી ઇશાંત શર્માને ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર પાંચ વિકેટ મળી છે.
ટીમ ઇન્ડિયામાં સ્પર્ધા સતત વધી રહી છે. શમી, બુમરાહ અને સિરાજ જેવા બોલર સારું પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઇશાંત શર્માનું પત્તું કપાયું છે. ઇશાંત શર્માએ 100થી વધુ ટેસ્ટ સિરીઝ રમી છે. પરંતુ તાજેતરમાં તે ખૂબ જ ખરાબ પ્રદર્શનમાં ચાલી રહ્યો છે. પસંદગીકારોએ તેને 2016થી એક પણ વન-ડે મેચમાં રમવાની તક આપી નથી. ટી 20 વર્લ્ડ કપમાં પણ તેની પસંદગી થઇ ન હતી.