ગુલાબ વાવાઝોડું આગામી બે દિવસ ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે…

બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી ગઈ હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં વરસાદે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

આ ઉપરાંત રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં 12 ઇંચ વરસાદ પડતા જૂનાગઢની સોનરખ નદીમાં પૂર આવ્યું હતું.

અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો હતો. ધોધમાર વરસાદને પગલે રાજ્યભરમાં 200 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ગુલાબ વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતાં કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે એકલા રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે, અને હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.

ભારે વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. NDRFની ટુકડીઓ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, રાજકોટ અને ગીર સોમનાથમાં એક એક ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ભારે વરસાદને પગલે રાજ્યમાં SDRFની 11માંથી 8 ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. SDRFની ટુકડીઓને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે મોકલવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે બુધવારે સવારે ગુલાબ વાવાઝોડાનો એક હિસ્સો તીવ્ર બન્યો હતો. જેના કારણે 1 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ શાહીન વાવાઝોડામાં તબદીલ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડું શાહીનમાં તબદિલ થયા બાદ તે ગુજરાતના દરિયા કિનારેથી પસાર થઈને ઓમાન તરફ આગળ વધશે. તેથી એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *