ધોનીની નજીકના આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત…
આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 હાલ દુબઇમાં ચાલી રહ્યો છે. જેમાં ગઇકાલે એટલે કે 5 નવેમ્બરના રોજ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝની આ કારમી હાર બાદ તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું હતું. આ મેચમાં હાર મળવાથી વેસ્ટ ઇન્ડિઝના તમામ ખેલાડીઓ નિરાશ થયા હતા.
શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડીઝની હારમાં બધા ખેલાડીઓ દુઃખી થયા હતા. પરંતુ સૌથી વધુ દુઃખી ડ્વેન બ્રાવો થયો હતો. કારમી હાર બાદ સ્ટેન બ્રાવોએ જણાવ્યું હતું કે તે હવે નિવૃત્તિ લઇ લેશે. તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડિઝ હવે ટી 20 વર્લ્ડકપ 2021 માંથી બહાર ફેંકાઇ ગયું છે એટલે આ તેની છેલ્લી લીગ મેચ હતી.
બ્રાવોએ શ્રીલંકા સામેની કારમી હાર બાદ ફેસબુક શોમાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને કોમેન્ટેટર એલેક્સ જોર્ડનની સાથે વાતચીતમાં પોતાની નિવૃત્તિની વાત કરી હતી. તેનું કહેવું છે કે, મને હવે લાગી રહ્યું છે કે સમય થઇ ગયો છે. હવે મારે નિવૃત્તિ લઇ લેવી જોઇએ. ઘણા બધા યુવા ખેલાડીઓ ટીમમાં તક મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે.
બ્રાવોએ વધુમાં જણાવ્યું કે મારી કારકિર્દી ખૂબ જ સારી ગઇ છે. 18 વર્ષથી હું વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથે જોડાયેલો છું. મારી કારકિર્દીમાં ઘણા બધા ઉતાર ચઢાવ પણ આવ્યા. પરંતુ હું કેરેબિયન ટીમનો ઘણો આભારી છું કે તેણે મને આટલા લાંબા સમય સુધી જાળવી રાખ્યો. તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું કે તમામ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓનો હું ખુબ આભાર માનું છું.
શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની મેચમાં શ્રીલંકાએ 190 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 190 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરી પરંતુ શરૂઆતમાં જ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 169 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમને ફરી એક વખત કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ડ્વેન બ્રાવો મહેન્દ્રસિંહ ધોનીનો ખાસ ખેલાડી ગણાય છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી બંને એકસાથે ઘણા વર્ષોથી રમે છે. તે બંનેએ ટીમને 4 ટ્રોફી આપવામાં મદદ કરી છે. મહેન્દ્રસિંહ ધોનીને પણ બ્રાવો પર પૂરેપૂરો વિશ્વાસ છે. પરંતુ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ બ્રાવોએ પોતાની નિવૃત્તિની વાત કરી હતી.