મેચ ભલે ભારતીય ટીમ હારી ગઈ હોય, પરંતુ આ ગુજરાતી ક્રિકેટરે જીત્યા ચાહકોના દિલ…

ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં ત્રણ મેચની વન-ડે સિરીઝ ચાલી રહી છે. જેની આખરી મેચમાં શ્રીલંકાનો વિજય થયો હતો. શ્રીલંકા પોતાની જ ધરતી પર આશરે નવ વર્ષ બાદ ભારત સામે મેચ જીત્યું હતું. તેના પરથી અનુમાન લગાવી શકાય કે ભારતીય ટીમનું પ્રદર્શન શ્રીલંકામાં કેટલું શાનદાર હશે.

આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ અગાઉની બે વન-ડે મેચમાં શ્રીલંકાનો પરાજય થયો હતો. ત્રીજી અને આખરી વન-ડે મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવીને વ્હાઇટ વોશ થતાં અટકાવ્યો હતો.

આ મેચમાં ભારતીય ટીમ તરફથી પાંચ નવા ખેલાડીઓ મેદાને ઉતર્યા હતા. ભારતીય ટીમ ત્રીજી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગમાં ઉતરી હતી. આ મેચમાં પાંચ ડેબ્યૂ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેંસન, રાહુલ ચહર અને ચેતન સાકરીયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ મેચમાં ફાસ્ટ બોલર નવદીપ સૈનીની વાપસી થઈ હતી. ભારતીય ટીમની બેટિંગ દરમિયાન વરસાદે મજા બગાડી હતી. વરસાદના કારણે મેચને ઘટાડીને 47 ઓવર્સની કરી દેવામાં આવી હતી. ભારત 225 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતના 225 રન સામે ડકવર્થ લૂઇસના નિયમ મુજબ શ્રીલંકાને 227 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.

ચેતન સાકરીયાએ વાપસી કરવી જીત્યા ચાહકોના દિલ


ત્રીજી વન-ડે મેચમાં ભારતની બેટિંગ નબળી રહી હતી. ત્યાર બાદ બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં ચેતન સાકરીયા અને રાહુલ ચહર સિવાયના બોલરો નિષ્ફળ ગયા હતા. હાર્દિક પંડ્યા અને નવદીપ સૈનીએ પાંચ પાંચ ઓવરો ફેંકી હતી પણ બંને મોંઘા સાબિત થયા હતા.

ભારત તરફથી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ 8 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી માત્ર 4.20 ની જ રહી હતી. ચેતને શ્રીલંકન બેટ્સમેનો ભાનુકા રાજપક્ષા અને ધનંજય ડી સિલ્વાની વિકેટો ઝડપી હતી.

ભારત મેચ ભલે હારી ગયું હોય પરંતુ પ્રથમ મેચ રમી રહેલા ચેતન ચાકરીયાએ ટીમને વાપસી કરાવી ચાહકોના દિલ જીત્યા છે. ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરીયા આઇપીએલ બાદ હવે ટીમ ઇન્ડિયામાં પણ ચમકી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *