ભારતીય અંડર-19 ટીમે રચ્યો ઇતિહાસ,આવું કારનામું કરનાર પ્રથમ ટીમ બની…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઇકાલે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ અંડર-19 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટે માત આપીને પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. દિનેશ બાનાએ મહેન્દ્રસિંહ ધોનીની જેમ શાનદાર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી છે.

ફાઇનલ મેચ ની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 44.5 ઓવરમાં 189 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જેમ્સ રીયુએ બનાવ્યા હતા. તેણે 95ની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેના દમ પર ઇંગ્લેન્ડ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

ભારત તરફથી રાજ બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર રવિકુમાર 34 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમે ભારતની જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા સમયે ભારતીય ટીમ 97 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ નિશાંત સિંધુએ 54 બોલમાં અણનમ 50 રન બનાવીને રાજ બાવા સાથે 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

આ મહત્વપૂર્ણ ભાગીદારી બાદ અંતે દિનેશ બનાયે જેમ સેલ્સ અને સતત બે બોલમાં બે સિક્સર ફટકારીને ભારતને 48 ઓવરમાં જ લક્ષ્ય સુધી પહોંચાડી ફરી એકવાર આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે પોતાના પ્રભુત્વની મહોર લગાવી છે. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં પ્રથમ બોલથી જ ઇંગ્લેન્ડની ટીમ પર દબાવ બનાવ્યો હતો. જેના કારણે સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓનું પ્રભુત્વ જોવા મળ્યું હતું.

ભારતીય ટીમે વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આવું કારનામું કરનાર ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઇ છે જેણે અંડર-19 વર્લ્ડકપ પાંચ વખત જીત્યો હોય. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે.

અંડર-19 વર્લ્ડકપમાં ઘણા બધા સિતારાઓ ભારતીય ટીમને મળ્યા છે. આ મહિને જ મેગા ઓક્શન યોજાવાનું છે. જેમાં આ તમામ ખેલાડીઓ પર મોટી બોલી લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંડર-19 વર્લ્ડકપના તમામ ખેલાડીઓ આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *