ત્રીજી વન-ડે મેચમાં આ 3 મોટા બદલાવો સાથે ઉતરશે ભારતીય ટીમ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પ્રથમ બંને મેચ ભારતીય ટીમે સફળતાપૂર્વક જીતી છે. આ ઉપરાંત 11 ડિસેમ્બર શુક્રવારના રોજ ત્રીજી વન-ડે મેચ રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ત્રીજી વન-ડે મેચમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ દરમિયાન ભારતીય ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ સિરીઝ પહેલાં કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાને કારણે પહેલેથી બહાર થયા હતા. ઘણા લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બે મેચ પૂર્ણ થયા બાદ તમામ ક્ષણોનું પોતાની જાતે મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ ત્રીજી વન-ડે મેચ માટે આ ત્રણ મોટા બદલાવ કરવા ઇચ્છે છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ આ ત્રણ મોટા બદલાવ સાથે મેદાને ઉતરી શકે છે. તો ચાલો જાણીએ કોની એન્ટ્રી થશે અને કોનું પત્તું કપાશે.
સૌપ્રથમ ભારતીય ઓપનિંગ જોડીની વાત કરીએ તો પ્રથમ અને બીજી વન-ડે મેચ દરમિયાન ઇશાન કિશન અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ બંને ખેલાડીઓ અસફળ રહેવાને કારણે ત્રીજી વન-ડે મેચમાં રોહિત શર્મા તેના જોડીદાર તરીકે શિખર ધવનને તક આપવા ઇચ્છે છે. આ ખેલાડી પણ લાંબી ઇનિંગ રમી શકે છે. રોહિત અને ધવનની જોડી વિશ્વભરમાં પહેલેથી પ્રખ્યાત છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ફાસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહરને તક આપવામાં આવશે. પ્રથમ બંને વન-ડે મેચ દરમિયાન અસફળ રહેલા શાર્દુલ ઠાકુરને બહાર રાખવામાં આવી શકે છે. આ ખેલાડીએ કંઇ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. આવી સ્થિતિમાં દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડાના સ્થાને કુલદીપ યાદવને તક આપી શકે છે. રોહિત શર્મા જાણે છે કે ચહલ અને કુલદીપની જોડી સુપરહિટ છે. આ બંનેની જોડી ભારતીય ટીમને જીત અપાવી શકે છે. આવી સ્થિતિમાં કુલદીપ યાદવને તક મળી શકે છે.