બીજી ટેસ્ટમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રને શાનદાર જીત મેળવી છે. આ સાથે ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ છેલ્લાં 29 વર્ષથી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. બીજી ટેસ્ટ સિરીઝ જીતીને ભારત અનોખો રેકોર્ડ નોંધાવી શકે છે.
ભારતીય ટીમ 3 જાન્યુઆરીના રોજ જોહાનિસબર્ગમાં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવવા પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે જીત માટે પોતાના તમામ પ્રયાસો લગાવશે. કોહલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. તો ચાલો જોઈએ બીજી ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને સ્થાન આપવામાં આવશે અને કોનું પત્તું કપાશે.
ભારતનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. આ બંને ખેલાડીઓનું સ્થાન બીજી ટેસ્ટ મેચમાં નિશ્ચિત છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ આ બંનેએ 117 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જવાની શરૂઆત કરી હતી.
આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા નંબર પર ચેતેશ્વર પૂજારાને તેના અનુભવને જોતા પોતાની ક્ષમતા બતાવવા માટે વધુ એક તક આપવામાં આવી શકે છે. ત્યારબાદ વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. તેની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. આ વર્ષની શરૂઆતમાં જ તે સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત કરવા માંગશે.
આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પાંચમાં નંબર માટે ઘણા દાવેદારો ટીમમાં છે. ભારતના ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર બંને શાનદાર બેટ્સમેન છે. પરંતુ રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનું પત્તું કપાય શકે છે અને તેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી શકે છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર છ પર ઉતરશે.
ભારતના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સ્પિનરની જવાબદારી નિભાવતો જોવા મળશે. શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડરની જવાબદારી નિભાવતો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન નિશ્ચિત છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. આવી સ્થિતિમાં તે બહાર થઇ શકે છે. આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે અને મોહમ્મદ સિરાજનું પત્તું કપાય શકે છે.