બીજી વન-ડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે માત આપી હતી. ભારતીય ટીમ હાલ આ સિરીઝમાં 1-0 થી આગળ ચાલી રહી છે. ભારતીય ટીમ બીજી વન-ડે મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા માગશે. રોહિત શર્મા બીજી વન-ડે મેચમાં એક શાનદાર પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓના પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમમાં ન કરવા હોવા છતાં પણ ફેરફારો કરવા પડશે કારણ કે આગામી મેચમાં ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલની વાપસી થવા જઇ રહી છે. જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં આવી કંઇક પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માની સાથે કેએલ રાહુલ મેદાન પર જોવા મળી શકે છે કારણ કે બીજી વન-ડે મેચમાં તેની વાપસી થવાની છે. જેના કારણે ટીમમાંથી ઇશાન કિશનનું પત્તું કપાઇ શકે છે. નંબર 3 પર વિરાટ કોહલી રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
નંબર 4 પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉતરશે. નંબર 5 પર સૂર્ય કુમાર યાદવને વધુ એક તક આપવામાં આવી શકે છે કારણ કે તેણે પ્રથમ વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. નંબર 6 પર ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડાને તક આપવામાં આવશે. આ ખેલાડીએ વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વન-ડે મેચમાં ડેબ્યૂ કરીને શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું.
નંબર 7 પર ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવશે કારણ કે તેણે પ્રથમ વન-ડે મેચમાં જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ વન-ડે મેચમાં ત્રણ વિકેટ પોતાના નામે કરી વિરોધી ટીમની કમર તોડી નાખી હતી. નંબર 8 પર ટીમના મુખ્ય સ્પિનર તરીકે યુજવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવશે. તેણે પ્રથમ વન-ડે મેચમાં ચાર વિકેટ લઇને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
નંબર 9 પર ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકોરના સ્થાને દિપક ચહરને તક મળી શકે છે કારણ કે શાર્દુલ ઠાકુરે પ્રથમ વન-ડે મેચમાં કંઇ ખાસ કમાલ કરી બતાવ્યો ન હતો. આ સિવાય ફાસ્ટ બોલિંગની જવાબદારી ફરી એક વખત મોહમ્મદ સિરાજની સાથે પ્રસિદ્ધ કૃષ્ણા નિભાવતા નજરે આવશે.