પ્રથમ ટી-20 મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
તાજેતરમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભવ્ય જીત હાંસલ કરી છે. 16 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ આ સિરીઝમાં જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં પણ ઘણાં ફેરફારો કર્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ટી-20 મેચમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. તો ચાલો જાણીએ કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ તો રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. પરંતુ હાલમાં કેએલ રાહુલ ઇજાગ્રસ્ત છે અને ઇશાન કિશન પણ ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની સાથે ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરતો જોવા મળશે. રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડની આ જોડી સફળ સાબિત થઇ શકે છે.
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર 3 પર ઉતરશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને પ્રથમ ટી-20 મેચમાં નંબર 4 પર સ્થાન આપવામાં આવશે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત દિપક હુડા અને વોશિંગ્ટન સુંદરને નંબર 6 અને 7 પર ઓલરાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં નંબર 8 પર શાર્દુલ ઠાકુર અને નંબર 9 પર દીપક ચહરને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવશે. આ બંને ખેલાડીઓ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે અને હાલ ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પણ આ બંને ખેલાડીઓએ કમાલ કર્યો હતો.
પ્રથમ ટી-20 મેચમાં ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલને આ જવાબદારી સોંપવામાં આવશે. આ બંને ખેલાડીઓ ટૂંકા ફોર્મેટમાં વિકેટ લેવામાં માહેર છે. ભુવનેશ્વર કુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે તેથી તેને તક મળશે નહીં. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચ જીતીને સારી શરૂઆત કરશે.