શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ લખનઉ ખાતે રમવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ હાલમાં સતત મેચો જીતી રહી છે. આ જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામેની સિરીઝમાં શરૂઆતથી જ દબદબો બનાવી રાખવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે. તો ચાલો જોઇએ ભારતીય પ્લેઇંગ ઇલેવન કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે.
શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્માની સાથે ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરતો જોવા મળશે. આ બંનેની જોડી આક્રમક બેટિંગ કરીને ઘાતક સાબિત થઇ શકે છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ સિરીઝમાંથી બહાર થયો હોવાને કારણે તેના સ્થાને શ્રેયસ ઐયરને નંબર 3 પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવશે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન બેટ્સમેન રિષભ પંત આ સિરીઝમાંથી બહાર થયો હોવાને કારણે ઇશાન કિશન નંબર 4 પર બેટિંગ કરીને વિકેટકીપિંગ પણ કરશે. આ ઉપરાંત નંબર 5 પર સુર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેને મિડલ ઓર્ડરની તમામ જવાબદારીઓ સોંપવામાં આવશે.
શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયર નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા નંબર 7 પર ઓલરાઉન્ડર ખેલાડીની ભૂમિકા ભજવશે. છેલ્લા ઘણા સમયથી રવિન્દ્ર જાડેજા ફિટનેસની સમસ્યાને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો હતો. ભારતીય ફાસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહરને નંબર 8 પર સ્થાન આપવામાં આવશે.
ભારતીય ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ જવાબદારી સંભાળશે. આ ઉપરાંત રવિ બિશ્નોઇને સ્પિનર તરીકે સ્થાન આપવામાં આવશે. શ્રીલંકા સામેની આ સિરીઝમાં જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ શ્રીલંકા સામે મેદાને ઉતરશે.