વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાને અને કોનું પત્તું કપાશે…

આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ હવે ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ રમશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી.

વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રમાશે. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ નહીં રમે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી ઘણા ખેલાડીઓના પત્તા કપાઇ શકે છે. તો ચાલો જોઇએ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેવી રહેશે ભારતીય ટીમ.

ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે પસંદગીકારોને સ્પષ્ટ કરી દીધું છે કે તે બીજી વન-ડેથી ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માની સાથે શિખર ધવન ઓપનિંગની જવાબદારી નિભાવતા જોવા મળશે. લાંબા સમય બાદ ચાહકો આ જોડીને મેદાન પર એક સાથે રમતા જોઇ શકશે. આ સાથે જ નંબર ત્રણ પર વિરાટ કોહલી ઉતરશે તે નિશ્ચિત છે.

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં મજબૂત બેટ્સમેનોને મેદાનમાં ઉતારવા માગશે. નંબર 4 પર રિષભ પંત રમતો જોવા મળશે અને નંબર 5 પર સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. કારણ કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં શ્રેયસ ઐયરનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું.

નંબર 6 પર દિપક હુડાને તક મળી શકે છે. આ ખેલાડીને લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય પીચો હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા જાદુઇ સ્પિનરો યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને તક આપી શકે છે. આ જોડીએ ભૂતકાળમાં ભારતીય ટીમને ઘણી બધી મેચો જીતાડી છે.

ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો દીપક ચહર અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડરની ભૂમિકા સોંપવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુર તેની કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે જાણીતો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને રવિ બિશ્નોઇને ટીમમાં સ્થાન મળશે નહીં. તેથી તેઓને થોડી રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *