પ્રથમ વન-ડેમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે અને કોના પત્તા કપાશે…
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝની શરૂઆત 19 જાન્યુઆરીથી થવા જઇ રહી છે. જેના માટે ભારતીય ટીમની જાહેરાત ઘણા સમયથી કરી દેવામાં આવી છે. પરંતુ તે પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.
ટેસ્ટ સિરીઝની વાત કરવામાં આવે તો ભારતીય ટીમને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો જે બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. જે બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે કોહલી બાદ ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે.
વન-ડે સિરીઝની શરૂઆત 19 જાન્યુઆરી થવાની છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થયો છે. તેથી વન-ડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન રાહુલ સંભાળશે. આવી સ્થિતિમાં ટીમ કોમ્બિનેશનને લઇને રાહુલને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓ પણ છે જે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેથી જોવાનું એ રહે છે કે પ્રથમ વન-ડે મેચમાં રાહુલ કોને ટીમમાં સ્થાન આપશે.
ઓપનિંગ બેટ્સમેન તરીકે કેએલ રાહુલની સાથે શિખર ધવન રમતો જોવા મળી શકે છે. નંબર ત્રણ પર વિરાટ કોહલી રહેશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. નંબર 4 પર શ્રેયસ ઐયરને સ્થાન મળી શકે છે. નંબર 5 પર રિષભ પંત રમતો જોવા મળશે. નંબર 6 પર વેંકટેશ ઐયરને સ્થાન મળી શકે છે. તેણે હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું.
શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે. તેથી નંબર 7 પર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. જ્યારે નંબર 8 પર ટીમના એક માત્ર સ્પિનર તરીકે રવિચંદ્રન અશ્વિનને સ્થાન મળી શકે છે. તમને જણાવી દઇએ કે રવિચંદ્રન અશ્વિન ઘણા વર્ષો બાદ વન-ડે ફોર્મેટમાં વાપસી કરી શકે છે.
આ સિવાય ટીમના ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળી શકે છે. આ પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં મેદાને ઉતરશે.