વેસ્ટ ઇન્ડીઝ સામે આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોના પત્તા કપાશે…
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વન-ડે સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. આ સિરીઝને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હારને ભૂલીને ભારતીય ટીમ આગળ વધવા માગશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં એક મજબૂત ટીમ ઉતારીને જીતવાનો પ્રયત્ન કરશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે અને ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આવી કંઇક ભારતીય ટીમ જોવા મળી શકે છે. રોહિત શર્મા અને શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઓપનિંગ કરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ત્યારબાદ નંબર ત્રણ પર વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતરશે. નંબર ચાર પર શ્રેયસ ઐયરને તક આપવામાં આવી શકે છે.
પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલની ગેરહાજરી હોવાને કારણે નંબર પાંચ પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત રમતો જોવા મળશે. નંબર છ પર સૂર્યકુમાર યાદવને ટીમમાં તક મળી શકે છે. નંબર સાત પર ઘાતક ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ કુલદીપ યાદવને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. આવી સ્થિતિમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ એક સાથે રમતા જોવા મળી શકે છે.
આ સિવાય ફાસ્ટ બોલિંગની જવાબદારી દીપક ચહર અને મોહમ્મદ સિરાજને સોંપવામાં આવી શકે છે. ભારતીય ટીમ આ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરીને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. ભારતીય ટીમ પ્રથમ વન-ડે મેચ જીતીને આ સિરીઝમાં 1-0 થી આગળ થવા માગશે.