ટી-20નો સૌથી ઘાતક ખેલાડી આઈપીએલ માંથી થયો બહાર…

આઇપીએલ 2021માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન પહેલેથી જ ખરાબ ચાલી રહ્યું હતું અને હવે ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ પહેલા ટીમના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ આઇપીએલ 2021થી બહાર થઈ ગયો છે.

તેણે બાયો બબલના થાકને કારણે આઇપીએલ છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ ગેલ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં છે. તે કેરેબિયન પ્રીમિયર લીગ રમ્યા બાદ સીધો આઈપીએલ રમવા માટે યુએઈ પહોંચી ગયો હતો.

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં બે મેચ રમ્યા બાદ ટી20ના સૌથી ઘાતક બેટ્સમેન ગણાતા ક્રિસ ગેલે ટુર્નામેન્ટમાંથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવારે આઈપીએલ ટીમ બબલને છોડીને તેણે પોતાના દેશમાં પરત ફરવાની જાણકારી ટીમ મેનેજમેન્ટને આપી હતી.

સતત બાયો બબલમાં રહેવાના કારણે તે થાકનો અનુભવ કરી રહ્યો હતો અને માનસિક રીતે પણ થાકી ગયો હતો. જેના કારણે તેણે આઈપીએલ છોડીને બહાર જવાનો નિર્ણય કર્યો છે. જેથી તે ટી20 વર્લ્ડકપ માટે ફ્રેશ રહી શકે.

ગુરુવારે પંજાબ કિંગ્સે જાણકારી આપતા કહ્યું હતું કે, ટીમનો અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલ હવે આગળની મેચથી ઉપલબ્ધ નથી. ક્રિસ ગેલ હવે આગામી મહીને યુએઈ અને ઓમાનમાં યોજનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝ ટીમ તરફથી રમતો જોવા મળશે.

ક્રિસ ગેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘છેલ્લા ઘણા સમયથી હું બાયો બબલ હેઠળ રમી રહ્યો છું. પહેલા CWI ત્યારબાદ CPL અને પછી મેં IPL ના બાયો બબલમાં પ્રવેશ કર્યો હતો. આમ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં રહેવાના કારણે હું માનસિક રીતે થાકી ગયો છું. તેથી હું પોતાને સુવ્યવસ્થિત કરવા માંગુ છું. જેથી ટી-20 વર્લ્ડકપમાં હું વેસ્ટઈન્ડિઝ ટીમની મદદ કરી શકું.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું પંજાબ કિંગ્સનો ખુબજ આભાર માનું છું કે જેણે મને આ બ્રેક લેવા માટેની મંજૂરી આપી. મારી પ્રાર્થના અને આશા હંમેશા ટીમની સાથે જોડાયેલી રહેશે. ટુર્નામેન્ટની આગળની મેચો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *