મેગા ઓક્શનની તારીખ લંબાવાઇ, જાણે હવે ક્યારે થશે હરાજીનું આયોજન…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ લીગમાં ભાગ લેશે. આ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ટીમના ખેલાડીઓની પસંદગી પહેલેથી કરવામાં આવશે. આઇપીએલની જૂની આઠ ટીમોએ પોતાના રીટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. બાકી રહેલા તમામ ખેલાડીઓ હરાજી પુલમાં આવી ગયા છે.
કોરોનાને કારણે આઇપીએલ 2021 બે તબક્કામાં પૂર્ણ થઇ હતી. ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઇ સુપરકિંગ્સે ભવ્ય વિજય મેળવ્યો હતો. દર વર્ષે આઇપીએલ માંથી ઘણા સિતારાઓ ઉભરી આવે છે. વિદેશી ખેલાડીઓ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લઇને પોતાની કળા બતાવે છે. આઇપીએલની 14મી સીઝન દરમિયાન ઘણા ખેલાડીઓએ પોતાનું કરિયર મજબૂત બનાવ્યું હતું.
આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને ટીમો નવી આવેલી હોવાને કારણે હાલમાં તેની પાસે કોઇ ખેલાડી રીટેન્શન માટે નથી. મેગા ઓકશનનું આયોજન જાન્યુઆરી 2022 ના પ્રથમ સપ્તાહમાં થવાનું હતું. પરંતુ એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મેગા ઓક્શનનું આયોજન પ્રથમ સપ્તાહમાં નહિ પરંતુ ત્રીજા સપ્તાહમાં થશે. શા કારણે તારીખ લંબાવાઇ તે જાણવું પણ અગત્યનું છે.
બીસીસીઆઇના એક અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું કે અમદાવાદની ટીમના માલિકી સંબંધિત મુદ્દાનો નિર્ણય સમિતિ દ્વારા આપવામાં આવ્યો નથી. જયાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી હરાજી થઇ શકે નહીં અને આ બંને ટીમો નવી આવેલી હોવાને કારણે ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી માટે થોડો સમય પણ આપવો પડશે. આવી સ્થિતિમાં મેગા ઓક્શન ત્રીજા કે ચોથા સપ્તાહ પહેલા થઇ શકે તેમ નથી.
અમદાવાદની ટીમ સટ્ટાબાજી ટીમ સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું. બોર્ડે સટ્ટાબાજીની કંપનીઓ સાથે સીવીસીના કથિત જોડાણની તપાસ કરવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરી છે. અગાઉ એવી અપેક્ષા હતી કે સમિતિ આ સપ્તાહના અંત પહેલા પોતાનો નિર્ણય જાહેર કરશે. પરંતુ એવું લાગે છે કે અમદાવાદ ફ્રેન્ચાઇઝી અંગે નિર્ણય લેવામાં સમિતિને હજુ થોડા દિવસો લાગશે.
આ બધી પરિસ્થિતિઓને જોતા મેગા ઓક્શનનું આયોજન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થશે એવી અટકળો ચાલી રહી છે. મેગા ઓક્શન પહેલા આ બન્ને ટીમોને 3-3 ખેલાડીઓની પસંદગી કરવાની છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અમદાવાદ ટીમની નજર ડેવિડ વોર્નર, શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા પર છે. જયારે લખનઉ ટીમની નજર કેએલ રાહુલ, રાશિદ ખાન અને ઇશાન કિશન પર છે.