ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન નક્કી, પરંતુ BCCI આ મુદ્દે ચર્ચા કરી કરશે જાહેરાત…
તાજેતરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. અચાનક આવી રીતે રાજીનામું આપતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. બીસીસીઆઇ દ્વારા મનોમંથન કરવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટના નવા કેપ્ટન તરીકે કયા ખેલાડીને સ્થાન આપવું જોઇએ.
આ પહેલા સપ્ટેમ્બરમાં વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘણા ખેલાડીઓ ઇજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર રહ્યા છે. આ વર્ષે ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી ગઇ છે.
ભારતીય ટીમના કેપ્ટન બનવાની રેસમાં ઘણા ખેલાડીઓ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ રેસમાં સૌથી પ્રથમ રોહિત શર્માનું નામ સામે આવે છે. રોહિત શર્માને તાજેતરમાં જ ટુંકા ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે. પરંતુ બીસીસીઆઇ અમુક કારણોસર મૂંઝવણમાં મુકાય છે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના સિલેક્ટર રોહિત શર્મા સાથે વર્કલોડ અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરવા ઇચ્છે છે અને ત્યારબાદ કોઇ નિર્ણય લેશે. એક અધિકારીના જણાવ્યા મુજબ રોહિત શર્મા પર વર્કલોડ ખૂબ જ વધારે છે. તેને ફિટનેસ પર ધ્યાન રાખવાની જરૂર છે. રોહિત શર્માને કેપ્ટન બનાવતા પહેલા આ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવામાં આવશે.
રોહિત શર્માની હાલમાં ઉમર 35 વર્ષની છે. આ ખેલાડીને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને તેને વર્કલોડ અને ફિટનેસની બાબતો પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આફ્રિકા સામેની સિરીઝમાં રોહિત શર્મા ફિટ ન હોવાને કારણે બહાર રહ્યો છે. બીસીસીઆઇ આ તમામ મુદ્દાઓની પુષ્ટિ કર્યા બાદ જ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેની ઓફિશયલ જાહેરાત કરી શકે છે.
ઇનસાઇડ રિપોર્ટ મુજબ રોહિત શર્મા નવો ટેસ્ટ કેપ્ટન બનવા જઇ રહ્યો છે. તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ વિરાટના રાજીનામા બાદ કેપ્ટનશીપ પદ આપવામાં આવશે. બીસીસીઆઇ પણ એવું ઇચ્છે છે કે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય. આવી સ્થિતિમાં રોહિત શર્મા મુખ્ય દાવેદાર ગણાય છે.