ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, પાકિસ્તાનનો આ ઘાતક ખેલાડી આવ્યો ફોર્મમાં…
ટી 20 વર્લ્ડકપ 2021ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારત 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે પહેલા ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે. પરંતુ દરેક ક્રિકેટ પ્રેમી હાલ ભારત બનામ પાકિસ્તાન મેચની રાહ જોઇ રહ્યા છે. કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ કરાઇ છે.
આ મેચ પહેલા ભારતીય ટીમના પ્રદર્શનને જોતા દર્શકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ મેચ ભારતીય ટીમ આસાનીથી જીતી જશે. પરંતુ પાકિસ્તાનમાં પણ ઘણા બધા ખેલાડીઓ એવા છે જે હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. તે ભારતીય ટીમને હેરાન કરી શકે છે.
ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જોતા એક વસ્તુ સાફ થાય છે કે પાકિસ્તાનની ટીમ ટી 20 વર્લ્ડકપમાં સંપૂર્ણ તૈયારી સાથે આવી છે. પાકિસ્તાનની ટીમમાં બે બેટ્સમેનો એવા છે જે ભારતની હાલત ખરાબ કરી શકે છે.
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આજમ અને ફખર જમાન પણ ખૂબ જ ઘાતક ફોર્મમાં છે. આ બંને ભારત માટે મોટો ખતરો બની શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન બાબર આજમે 41 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે ફખર જમાને તાબડતોડ અંદાજમાં 24 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા. જેમાં ચાર ફોર અને બે સિક્સર સામેલ છે.
ભારતને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન બાબર આજમ કરતાં પણ વધારે ખતરો ફખર જમાનથી છે. કારણ કે ચેમ્પિયન ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં ફખર જમાને ઇન્ડિયાની સામે શાનદાર સદી ફટકારી હતી. એવામાં વિરાટની ટીમને થોડું સાવધાન રહેવું પડશે. કારણ કે આ ખેલાડી ફરી વખત ઘાતક ફોર્મમાં આવી રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં પાંચ મેચો રમાઇ છે. જેમાં ભારતે પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. 24 ઓકટોબરના રોજ આ બંને ટીમો બે વર્ષ બાદ ટકરાશે. ભારત અને પાકિસ્તાન છેલ્લી વખત વર્ષ 2019માં વન-ડે વર્લ્ડકપમાં ટકરાઈ હતી. ત્યાર ભારતે પાકિસ્તાનને લાંબા અંતરે હરાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ટી 20 વર્લ્ડકપમાં આ વખતે કોની જીત થશે.