ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને લાગ્યો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી બ્રિટનની ધરતી પર ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તે પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ તો પહેલેથી જ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં શુભમન ગિલ, આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. ત્યારે હાલમાં જ ભારતીય ટીમનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે. જે 4 ઓગસ્ટથી શરૂ થશે. મેચના બે દિવસ પહેલા જ ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત થતા પહેલી ટેસ્ટમાંથી બહાર થયો છે. આ પહેલા પણ ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે સિરીઝ માંથી બહાર થયા હતા. હવે મયંક ટીમ માંથી બહાર થતાં ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

મળતી માહિતી મુજબ, મયંક અગ્રવાલના માથામાં ઈજા થઈ છે અને તે માત્ર પ્રથમ ટેસ્ટમાંથી જ બહાર થઈ ગયો છે. આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થયો હતો. શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થતાં મયંક અગ્રવાલનું ઓપનિંગ કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું.

પરંતુ હવે મયંક ઈજાગ્રસ્ત થતા લોકેશ રાહુલને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. લોકેશ રાહુલ હંમેશા ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતો નજરે આવે છે. પરંતુ હાલના સમયમાં તે મધ્ય ક્રમે રમવાનું પસંદ કરે છે. ટીમ ઇન્ડિયા પાસે ઓપનિંગ બેટ્સમેનનો વધુ એક વિકલ્પ બંગાળનો અભિમન્યુ ઈશ્વરન છે.

ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાના ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તેને ભારત પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ અભ્યાસ મેચમાં આંગળીમાં ઈજાના કારણે સ્ટેન્ડબાય ફાસ્ટ બોલર આવેશ ખાન પણ સિરીઝમાંથી બહાર થયો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય ફાસ્ટ બોલર સિરાજ કે જે સૌથી ફાસ્ટ બોલિંગ કરે છે. અભ્યાસ દરમિયાન મયંક અગ્રવાલે તેના શોટ બોલ પરથી નજર હટાવી લીધી હતી. ત્યારબાદ બોલ તેના માથાના પાછલા ભાગમાં હેલમેટ સાથે ટકરાઈ હતી.

હેલમેટ સાથે બોલ ટકરાતા તે કઈંક અસહજ મહેસૂસ કરી રહ્યો હતો અને પછી ફિઝિયો નીતિન પટેલ તેની સાથે જમીન પર બેસી ગયા હતા. ત્યારબાદ તે માથાના પાછલા ભાગ પર હાથ રાખીને નીતિન પટેલ સાથે નેટથી બહાર જતો રહ્યો. આમ, ઇજાગ્રસ્ત થવાને કારણે તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *