IPL માંથી ટીમ ઇન્ડિયાને મળ્યો અત્યંત ઘાતક ખેલાડી, દિગ્ગજોને પછાડી બન્યો નંબર વન…
આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સની મેચમાં હર્ષલ પટેલે હેટ્રિક લીધી હતી જે બાદ હર્ષલ પટેલે રાજસ્થાન સામેની મેચમાં ત્રણ વિકેટ ઝડપી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
હર્ષલ પટેલ હવે આઈપીએલના ઈતિહાસમાં આરસીબીની તરફથી એક સીઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ચહલે 2015ની સીઝનમાં કુલ 23 વિકેટ ઝડપી હતી.
તમને જણાવી દઈએ કે, આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે. બ્રાવોએ આઈપીએલની એક સિઝનમાં 32 વિકેટ પોતાના નામે કરી હતી. હર્ષલ પટેલ અત્યાર સુધીમાં 26 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.
જો આરસીબી પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે તો હર્ષલ પટેલને લીગ સ્ટેજની મેચો સિવાય વધારાની મેચો રમવાનો મોકો મળશે. જેનો ફાયદો ઉઠાવીને તે ડ્વેન બ્રાવોનો આ રેકોર્ડ પણ તોડી શકે છે. રાજસ્થાન સામેની મેચમાં તેણે રિયાન પરાગ, ક્રિસ મોરિસ અને ચેતન સકારિયાને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં હેટ્રિક લીધા બાદ રાજસ્થાન સામેની મેચમાં પણ તે હેટ્રિકની નજીક પહોંચી ગયો હતો. જ્યારે તેણે રિયાન પરાગ અને ક્રિસ મોરિસને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી દીધા હતા. પરંતુ તે આ હેટ્રિકથી ચૂકી ગયો હતો. ત્યારબાદ તેણે ઓવરની છેલ્લી બોલ પર ચેતન સાકરીયાને આઉટ કર્યો હતો.
હર્ષલ પટેલની આ ઘાતક બોલિંગથી લાગી રહ્યું છે કે તે ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળશે. આઇપીએલના આ અત્યંત ઘાતક પ્રદર્શનને જોતા તે ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.