ટી-20 વર્લ્ડકપ 2022નો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો…
વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વર્લ્ડકપ 2022નું શિડ્યુલ આઈસીસી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસી દ્વારા શુક્રવારે સવારે આ શિડયુલ બહાર પાડવામાં આવ્યું છે. ટી-20 વર્લ્ડકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. જ્યારે સુપર-12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપ 2021ની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની પોતાની શરૂઆતની બે મેચો ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વાપસી કરવું મુશ્કેલ બન્યું હતું. આવું પહેલીવાર બન્યું હતું કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં કોઇ મેચ કારમી રીતે હારી હોય.
ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર ટીમો સાથે ગ્રુપ B માં રાખવામાં આવ્યું છે. ટી-20 વર્લ્ડકપ 2021માં પણ ભારતનો મુકાબલો પાકિસ્તાનની સાથે થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો જાણીએ આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો કઈ તારીખે થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 26 ઓક્ટોબરના રોજ મેલબર્ન ખાતે થશે. ભારતીય ટીમ આ મેચમાં હારનો બદલો લેવા મજબૂત હોવાનો દાવો કરશે. ત્યાર બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો 30 ઓક્ટોબરના દિવસે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો 2 નવેમ્બરના રોજ એડિલેડ ખાતે થશે.
ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ A માં ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે જ્યારે ગ્રૂપ B માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમોનો સમાવેશ થાય છે. વર્લ્ડકપ 2022ની શરૂઆત 16 ઓક્ટોબર રવિવારના રોજ થશે. જ્યારે ફાઇનલ મુકાબલો 13 નવેમ્બરના રોજ રમાશે. કુલ 16 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં સાત શહેરોમાં યોજાવાનો છે. મહત્વનું એ છે કે આ વર્લ્ડકપ ભારતમાં જવાનો હતો પરંતુ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો.
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007નો ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. જે બાદ ભારતીય ટીમ સતત નિષ્ફળ સાબિત થઇ રહી છે. ટીમ ઈન્ડિયાને 2014 ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ બે વખત ટ્રોફી જીતી ચૂકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુનિયાભરના દર્શકોએ રાહ જોઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં છ મુકાબલા થયા છે, જેમાં ભારતે 5 વખત પાકિસ્તાનને હરાવ્યું છે.