સુનિલ ગવાસ્કરનું મોટું નિવેદન, કહ્યું કે સાઉથ આફ્રિકાનો પ્રવાસ આ ખેલાડી માટે અંતિમ પ્રવાસ…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારતે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. હાલમાં ભારતીય ટીમ 1-0 ની લીડથી આગળ છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને આ ટેસ્ટ સિરીઝ જીતવા માટે પ્રયત્ન કરશે.
બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતનો કેપ્ટન વિરાટ કોહલી મેચમાંથી અચાનક બહાર થયો હતો. વિરાટ કોહલીને પીઠના ભાગ પર દુખાવો થતા તે આ મેચ રમી શકે તેવી સ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન સતત ખરાબ જોવા મળી રહ્યું છે. આ સિરીઝમાં તક મળવા છતાં પણ લાભ ઉઠાવી શક્યા નહીં. સુનિલ ગાવસ્કરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ ખેલાડી છેલ્લી વખત ભારતીય જર્સીમાં જોવા મળી શકે છે.
સુનિલ ગાવસ્કરે કહ્યું કે ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેને તેની ટેસ્ટ કારકિર્દી બચાવવા માટે એક તક આપવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. છતાં પણ જોહાનિસબર્ગમાં સોમવારે બીજી ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળ્યું હતું. તેમાં પણ તે પહેલા બોલ પર ઝીરો રન બનાવીને આઉટ થયો હતો.
ગાવસ્કરે કહ્યું કે વારંવાર નિષ્ફળતા બાદ પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાનને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. રહાણેના બેટથી છેલ્લા ઘણા સમયથી રન નીકળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ બની રહ્યો છે. તેના કારણે ભારતનો મિડલ ઓર્ડર ઘણો નબળો પડી રહ્યો છે. તેની કારકિર્દી સમાપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રાહણેએ માત્ર 48 રન અને બીજી ઇનિંગમાં માત્ર 20 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગના પ્રથમ બોલે જ આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે બોજ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ ટેસ્ટ મેચ તેના માટે છેલ્લી મેચ હોઇ શકે છે.