શોએબ અખ્તરે ચેતવણી આપતા કહ્યું કે જો અફઘાનિસ્તાન સામેની મેચ ન્યૂઝીલેન્ડ હારી જશે તો…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારત પોતાની પહેલી બંને મેચો હારી ગયું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામેની મેચોમાં જબરદસ્ત જીત મેળવી સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. ભારતને હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડશે.

ગ્રુપ બીની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે 7 નવેમ્બરના રોજ રમશે. આ મેચ પર ભારતીય ચાહકોની નજર રહેશે કારણકે આ મેચ નિશ્ચિત કરશે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં. જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જશે તો ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો સાફ થઇ જશે અને જો ન્યૂઝીલેન્ડ આ મેચ જીતી જશે તો વિરાટ બ્રિગેડનો પ્રવાસ અહીં જ સમાપ્ત થઇ જશે.

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચને લઇને પાકિસ્તાનમાં પણ અલગ માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું એક નિવેદન સામે આવ્યો છે. જેમાં તેણે કહ્યું કે, જો ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જશે તો અનેક સવાલો ઉદ્ભવશે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાને રોકનાર કોઇ નહીં હોય.

શોએબ અખ્તરે પોતાની યુ ટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે જો ન્યૂઝીલેન્ડ આ મેચ હારી જશે તો ઘણા બધા સવાલો ઉભા થશે. આ હું તમને પહેલેથી જ કહી રહ્યો છું. મને ડર છે કે ટોપ ટ્રેન્ડિંગમાં વધુ એક વસ્તુ શરૂ થઇ જશે. ખરેખર હું કોઇ વિવાદને જન્મ આપવા માંગતો નથી. પરંતુ પાકિસ્તાનના ચાહકોમાં ન્યૂઝીલેન્ડને લઇ ભાવનાઓ ઉચ્ચ છે.

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ સારી છે અને તે અફઘાનિસ્તાનને હરાવવામાં સક્ષમ છે. તેથી જો ન્યૂઝીલેન્ડ હારી જશે તો અનેક સવાલો ઉભા થશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ન્યૂઝીલેન્ડની હાર બાદ સોશિયલ મીડિયાને રોકી શકાશે નહીં. કદાચ વધુ એક વખત ભારત અને પાકિસ્તાનની મેચ રમાઇ શકે છે. જે આખી દુનિયા જોવા માંગે છે.

તમને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 7 નવેમ્બરના રોજ મેચ રમાવાની છે. આ મેચ નક્કી કરશે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં જો ન્યૂઝીલેન્ડ મેચ હારી જશે તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો સાફ થઇ જશે અને જો અફઘાનિસ્તાન આ મેચ હારી જશે તો ભારતનો પ્રવાસ અહીં જ સમાપ્ત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *