ટેસ્ટ કેપ્ટનશીપને લઇને રોહિત શર્માનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પહેલા પણ ટી-20 અને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટી ગયો હતો. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ટેસ્ટ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બાબતે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવા માટે ઘણા ખેલાડીઓ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ, રોહિત શર્મા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ આ રેસમાં આગળ ચાલી રહ્યા છે. પરંતુ આ રેસમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માનું નામ સૌથી આગળ આવે છે.

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝમાં ઘણા લાંબા સમય પછી રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો નજર આવશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશીપ અંગે અગત્યનું નિવેદન આપ્યું છે. તો ચાલો જાણીએ તેણે શું કહ્યું છે.

રોહિત શર્માએ કહ્યું કે અત્યારે મારું ધ્યાન વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા પ્રવાસ પર છે. ટેસ્ટ કેપ્ટનશીપની વાત અત્યારે કરવી ન જોઈએ. તેના વિશે અત્યારે મારો કોઈ વિચાર નથી. હું માત્ર વર્તમાન મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છું છું. આવું નિવેદન આપીને રોહિત શર્માએ ફરી એક વખત ભારતીય મેનેજમેન્ટ ટીમને મૂંઝવણમાં મુકી છે.

રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે કારણ કે તે હાલમાં વાઇટ બોલ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે. તેની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે. તે બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરીને વિરોધી ટીમ સામે જીત મેળવી શકે છે. આ ઉપરાંત કેપ્ટનશીપનો બહોળો અનુભવ ધરાવે છે.

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝની શરૂઆત 25 ફેબ્રુઆરીથી થશે. આ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *