ફિફ્ટી મારવા છતાં હારનું કારણ બન્યો રિષભ પંત, જાણો કઈ રીતે…

આઇપીએલ 2021 ની લીગ સ્ટેજની મેચો સમાપ્ત થયા બાદ ગઈકાલે એટલે કે રવિવારના રોજ ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમિફાઇનલ-1 રમાઇ હતી. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવી આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સે નવમી વાર ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

આ મેચમાં છેલ્લી ઓવરમાં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ધારદાર બેટિંગ કરી ટીમને મેચ જીતાડી હતી. આ સાથે જ ક્રિકેટ નિષ્ણાંતો અને દિલ્હી કેપિટલ્સના ફેન્સ કેપ્ટન રિષભ પંતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

રિષભ પંતની કેપ્ટનશીપ પર આ સવાલો ખાસ કરીને છેલ્લી ઓવર ટોમ કરનને આપવા પર થઇ રહ્યા છે. હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે નિવેદન આપતા કહ્યું કે, એમને સતત બીજી મેચમાં છેલ્લી ઓવરમાં હાર મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે પણ છેલ્લી ઓવરમાં હાર મળી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની હાર બાદ પંતે કહ્યું કે, આ ખુબ જ નિરાશાજનક રહ્યું હતું અને મારી પાસે શબ્દો નથી કે હું એ વાતને કહી શકું કે મને શું લાગી રહ્યું છે. કારણ કે કેપ્ટન પંત પાસે છેલ્લી ઓવરમાં ઘણા બધા ઓપ્શન હતા. પરંતુ તે ટોમ કરનની સાથે ગયો હતો.

પંતે વધુમાં કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે આખી મેચમાં ટોમ કરને સારી બોલિંગ કરી છે. તો તેનો છેલ્લી ઓવર માટે ઉપયોગ કરવો ઠીક કરશે. તેથી તેને મેં છેલ્લી ઓવર આપી હતી. રિષભ પંતની વાત કરીએ તો તેણે આ મેચમાં 51 રન બનાવ્યા હતા. તેમ છતાં તેની આ એક ભૂલને કારણે તે હારનું કારણ બન્યો હતો.

મેચ ની વાત કરીએ તો ટોસ જીતીને ચેન્નઇ સુપરકિંગ્સે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ પહેલા બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા. ચેન્નઇ સુપરકિંગ્સને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે લાગી રહ્યું હતું કે, ચેન્નઇ સુપરકિંગ્સ ટાર્ગેટ સુધી આસાનીથી પહોંચી જશે પરંતુ તેવું કંઈ થયું નહીં. દિલ્હી કેપિટલ્સે આ મેચમાં ઝડપથી વાપસી કરી હતી.

જબરદસ્ત વાપસી છતાં દિલ્હી કેપિટલ્સને આ મેચમાં છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સની હારની સાથે જ ચેન્નઇ સુપરકિંગ્સે નવમી વાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વળી, ચેન્નઇ સામે મળેલી હાર છતાં દિલ્હીની પાસે હજુપણ ફાઇનલમાં પહોંચવાનો એક મોકો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *